ગાંધીનગર-

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે તેવો નિર્ણય આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતાની ઉપસ્થિતિમાં મળેલી એક અગત્યની બેઠકમાં લેવાયો હતો. આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા તેમજ નવા લોકોને પક્ષમાં જોડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસની એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી સમયમાં વિવિધ વિસ્તારમાં યોજાનાર કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ માટે કોંગ્રેસ પક્ષના વિવિધ સેલ – ડિપાર્ટમેન્ટો વધુ સક્રિય થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં પક્ષનું સંગઠન વધુ મજબૂત કરવા અને નવા લોકોને કોંગ્રેસમાં જોડવા અંગે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે તે અંગેની રણનીતિ ઘડવામાં આવી હતી. જેમાં પક્ષના ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન અને વિવિધ સેલ- ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ - અલગ પ્રકારના સરકાર વિરોધી કાર્યક્રમો આપવામાં આવશે, તેમજ કોંગ્રેસના વિવિધ સેલ- ડિપાર્ટમેન્ટને જનતા તરફથી મળતી સમસ્યાઓ અને પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નક્કી કરાયા મુજબ આગામી દિવસોમાં લોકોની સમસ્યાઓને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો તૈયાર કરવામાં આવશે. આવા આંદોલનાત્મક કાર્યક્રમો આગામી દિવસોમાં વિવિધ ઝોન અને રાજયસ્તરના કાર્યક્રમો કરવામાં આવશે.જેમાં યુવક કોંગ્રેસ દ્વારા રોજગારી અંગે કાર્યક્રમો આપવામાં આવશે, તો એનએસયુઆઈ દ્વારા ફી વધારા અને શાળા-કોલેજ પ્રવેશ અંગેના કાર્યક્રમો આપવામાં આવશે. જ્યારે મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરોધી કાર્યક્રમો આપવામાં આવશે. તો કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોની સમસ્યા અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે, જ્યારે એસસી-એસટી સેલ લોકોના બંધારણીય અધિકારો અંગેના કાર્યક્રમો યોજવામાં આવશે.