દિલ્હી-

ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખત્મ થતા જ ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડિવિઝન ઑફ એપિડેમિયોલોજી એન્ડ કૉમ્યુનિકેબલ ડિસીસના પ્રમુખ ડૉક્ટર સમીરન પાંડાએ આશંકા વ્યક્ત કરી છે કે ઑગષ્ટના અંત સુધી કોરોના વાયરસની ત્રીજી લહેર પણ આવશે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સમીરન પાંડાએ કહ્યું છે કે, કોરોના સંક્રમણની ત્રીજી લહેર કોવિડની બીજી લહેર જેટલી ભયાનક નહીં થાય.

જાે કે એકવાર ફરીથી આખો દેશ કોરોનાની ત્રીજી લહેરની ઝપટમાં આવશે. ડૉક્ટર સમીરન પાંડાએ કહ્યું છે કે, કોવિડ-૧૯ મહામારી દરમિયાન લોકોની રોગો સામે લડવાની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ છે. આવામાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરનું આ પણ એક કારણ બની શકે છે. નબળી ઇમ્યુનિટીવાળા લોકો આ લહેરમાં સરળતાથી ઝપટમાં આવી શકે છે. ડૉક્ટર સમીરન પાંડાનું કહેવું છે કે, જાે આવી જ રોગપ્રતિકારક ક્ષમતા ઓછી રહેશે તો આ ત્રીજી લહેરનું એક મોટું કારણ બની શકે છે.

તેમનો દાવો છે કે કોરોનાથી લડીને મેળવવામાં આવેલી ઇમ્યુનિટીને પણ નવું વેરિયન્ટ નબળી પાડી શકે છે. જાે આવું થયું તો કોરોનાનું નવું વેરિયન્ટ ઇમ્યુનિટીને તોડીને અત્યંત ઝડપથી સંક્રમણ ફેલાવી શકે છે. ડૉ. સમીરન પાંડાએ કહ્યું કે, એવી અપેક્ષા નથી કે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જનજીવન પર વધુ કહેર વરસાવશે. તેમને એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, શું ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કોરોનાની ત્રીજી લહેર લાવી શકે છે?ઉલ્લેખનીય છે કે ડૉક્ટર સમીરન પાંડાનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે હાલમાં જ એમ્સના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર લોકોની ઇમ્યુનિટી નબળી થવાના કારણે આવી શકે છે. કોરોના સંક્રમણના નવા નવા વેરિયન્ટ આવી રહ્યા છે, સરકારો લોકડાઉન અને અન્ય પ્રતિબંધોમાં ઢીલ આપી રહી છે. આવામાં કોરોના વાયરસ ફેલાઈ શકે છે.