લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026 |
2376
નવસારી જિલ્લાના બીલીમોરાના ગૌહરબાગ વિસ્તારમાં આવેલી ચંચલ જ્વેલર્સ શોપના માલિક અશોક કટારિયા પોતાની દુકાને હાજર હતા, ત્યારે બે અજાણ્યા ઈસમોએ પિસ્તોલ સાથે ધસી આવી તેમને ધમકાવ્યા હતા. લૂંટારુઓએ હિન્દી અને ગુજરાતી ભાષામાં વાત કરી ઘરેણાં થેલીમાં ભરી દેવા દબાણ કર્યું હતું. આ દરમિયાન અશોક કટારિયાએ હિંમત દાખવી બૂમાબૂમ કરતા લૂંટારુઓએ તેમની સાથે ઝપાઝપી શરૂ કરી હતી અને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. દરમિયાન, એક ગોળી અશોકભાઈને દાઢી અને ખભાના ભાગે વાગવા છતાં તેમણે પાસે રહેલી લાકડાંની હોકી વડે હુમલાખોરોનો પ્રતિકાર કર્યો હતો. ફાયરિંગને પગલે લોકોના ટોળાં એકઠાં થઈ જવાની બીકે લૂંટારુઓ લૂંટ કર્યા વગર જ પોતાની કારમાં બેસી ચીખલી તરફ ભાગી છૂટ્યા હતા. નવસારી જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આરોપીઓને ઝડપી પાડવા માટે આશરે ૧૫ ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરી હતી. નવસારી એલસીબીના સિનિયર પી.આઇ. વી.જે. જાડેજા અને તેમની ટીમ તથા એસઓજી અને અન્ય સ્થાનિક પોલીસની ટીમો સક્રિય થઈ હતી. પોલીસે તાત્કાલિક નાકાબંધી ગોઠવી અને ૩૦૦થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી હતી. કાર કયા માર્ગે આવી હતી અને ચીખલી તરફ ગઈ તે જાણવા સેંકડો સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. લૂંટારુઓએ ચીખલી-વાંસદા રોડ પર હંસ ક્વોરી નજીક અવાવરું સ્થળે પોતાની કાર છુપાવી દીધી હતી. બાદમાં કપડાં બદલી તેઓ પગપાળા હાઈવે પર પહોંચી બસ મારફતે વલસાડ ભાગી ગયા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે કાર સુધી પહોંચી હતી. કારની નંબર પ્લેટ ગાયબ હતી, પરંતુ એફએસએલની મદદથી કાર ખોલતા તેમાં લૂંટ દરમિયાન પહેરેલા કપડાં મળી આવ્યા હતા. કારની માલિકીની તપાસ કરતાં તે વલસાડના ઉમંગ વાછાણીનાં નામે નોંધાયેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે માત્ર સાત કલાકમાં જ ત્રણેય આરોપીઓને વલસાડમાંથી ઝડપી પાડ્યા હતા. મુખ્ય સૂત્રધાર ઉમંગ દિલીપભાઈ વાછાણી (રહે, ભાનુવીલા એપાર્ટમેન્ટ, તીથલ રોડ વલસાડ), બીજો આરોપી મનોજ ઉર્ફે આકાશ રાજુભાઈ સૂર્યવંશી (રહે. આકાશ ગંગા એપાર્ટમેન્ટ, હાલર રોડ, વલસાડ) અને ત્રીજો સાગરીત રજનીકાંત ઉર્ફે રાજુ શશીકાંત મકવાણા (રહે. સરદાર હાઉસ, તીથલ રોડ, વલસાડ) નો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ રિવોલ્વર રસ્તામાં ક્યાંક ફેંકી હોવાની માહિતી આપી હતી.
આરોપીઓએ કોલેજનાં અભ્યાસ દરમિયાન જ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો
પોલીસે આ ઘટનામાં વલસાડના ઉમંગ ઉર્ફે દિલીપ વાછાણી, મનોજ ઉર્ફે આકાશ સૂર્યવંશી અને રજનીકાંત ઉર્ફે રાજુ મકવાણાની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી ઉમંગ વાછાણી (ઉં.વ. ૨૫) રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે, જેની સામે અમદાવાદના યુનિવસિર્ટી, વાડજ, નવરંગપુરા, સેટેલાઈટ, ઘાટલોડિયા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં લૂંટ અને ચોરીના કુલ ૧૧ જેટલા ગુનાઓ અગાઉ નોંધાઈ ચુક્યા છે. વર્ષ ૨૦૨૩માં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ આરોપીઓએ કોલેજકાળ દરમિયાન જ ગુનાખોરીના માર્ગે ડગ માંડ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.