વડોદરા, તા.૧૨

વડોદરા શહેરમાંથી રસ્તે રખડતા ઢોરોની સમસ્યા નિવારવા માટે મેયર દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી અને તે દિશામાં કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે પણ આ સંદર્ભે કાયદો બનાવ્યો હતો પરંતુ વિરોધ થતાં સ્થગિત કરાયો હતો. ત્યારે બુધવારે સાંજે વાઘોડિયા રોડ પર ગામે શિંગડું મારતાં વિદ્યાર્થીને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે રખડતા ઢોરોની સમસ્યમાંથી શહેરીજનોને મુક્તિ અપાવવા મેયર અને મ્યુનિ. કમિશનર આંખો ક્યારે ખોલશે? તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.

રાજ્યના તમામ શહેરોને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ માટે પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલે સૂચના આપી હતી. વડોદરા એક કાર્યક્રમ દરમિયાન મેયરને આ અંગે ટકોર પણ કરી હતી. જાે કે, મેયરે શહેરને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા મોટા ઉપાડે જાહેરાત કરી હતી અને તે માટે ઢોરો પકડવા માટે ત્રણ શિફટમાં ટીમો કાર્યરત કરવાની સાથે ટેગિંગની પણ ડેડાલાઈન આપવામાં આવી હતી, સાથે ખટંબા ખાતે કેટલશેડ બનાવવાની કામગીરી પણ શરૂ કરાઈ હતી.

પાલિકા દ્વારા રખડતા પશુઓના ત્રાસ નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા બનાવાઈ રહેલા કાયદાની રાહ જાેવાતી હતી. જાે કે, રાજ્ય સરકારે આ અંગે કડક કાયદો બનાવ્યો હતો. પરંતુ પશુપાલકો દ્વારા ગૌચરની જગ્યાઓ, પશુઓને રાખવા માટે કેટલફાર્મ સહિતની માગણીઓ સાથે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. આ કાયદા સંદર્ભે ભારે વિરોધ થતાં કાયદો સ્થગિત કરવામાં આવ્યો હતો.

જ્યારે બીજી તરફ પાછલાં ઘણાં સમયથી વડોદરા કોર્પોરેશન દ્વારા પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાયા બાદ હજી શહેરના અનેક માર્ગો ઉપર ઢોરોના ટોળા નજરે પડી રહ્યા છે. ત્યારે બુધવારે સાંજે વાઘોડિયા રોડ પર એક્ટિવા પર જઈ રહેલા વિદ્યાર્થીને ગાયનું શિંગડું વાગતાં આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ અગાઉ પણ રખડતા ઢોરોના કારણે સર્જાયલા અકસ્માતના અનેક બનાવો બન્યા છે. ત્યારે મેયર અને મ્યુનિ. કમિશનરની આ મુદ્‌ે આંખો ક્યારે ખૂલશે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.

૫શુપાલકો સામે મેયર ભાગી બિલ્લી બનવા કરતાં કડક કાર્યવાહી કરે તેવી માગ ઃ સ્વેજલ વ્યાસ

વડોદરા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ સામે સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસે પ્રતિક્રિયા આપતાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ સામે આખું શહેર લાચાર છે પરંતુ શહેરના નાગરિકોના જીવ જાેખમમાં ન મુકાય એની જવાબદારી પ્રથમ નાગરિક તરીકે મેયરની હોય છે. પાર્ટી આજ્ઞાંકિત હિતેચ્છુક મેયર આવા પશુપાલકો સામે લાચાર થઈ કડક કાર્યવાહી નથી કરી શકતા. ખાલી હોશિયારીઓ મારવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના પથારાઓ હટાવવામાં નીકળી પોતાની બાહોશી બતાવવા નીકળી પડે છે. જ્યારે પશુપાલકો સામે ભાગી બિલ્લી બન્યા કરતાં કોઈ કડક કાર્યવાહી કરે તેવી સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસે કરી છે.