વડોદરા, તા.૧૧

ફાજલપુર બ્રીજ પરથી મહીસાગર નદીમાં છલાંગ લગાવનારા એક યુવકને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધો હતો. જાેકે, નદીમાં પડવાને લીધે યુવકના શરીરમાં મોટી માત્રામાં પાણી ભરાઈ ગયુ હતુ. જેને કાઢવા માટે નાવીકો અને તરવૈયાઓએ સીપીઆરનો ઉપયોગ કરીને યુવકનું બંધ પડેલુ હૃદય પુનઃ ધબકતુ કર્યું હતુ.

ફાજલપુર બ્રીજને પોલીસે સ્યુસાઈડ પોઈન્ટ તરીકે જાહેર કર્યો છે. વર્ષ દરમિયાન ઘણી વખત ફાજલપુર બ્રીજ પરથી લોકો મહીસાગર નદીમાં છલાંગ લગાવતા હોય છે. પણ મહીસાગરમાં નાવડી ચલાવતા લોકો તેમને બચાવી લેતા હોય છે.

આજે પણ આવો જ એક કિસ્સો બન્યો હતો. જેમાં એક યુવકે ફાજલપુર બ્રીજ પરથી નદીમાં છલાંગ લગાવી હતી. યુવક નદીમાં પડતાની સાથે જ આસપાસના નાવીકો ફટાફટ તેની નજીક આવી પહોંચ્યા હતા અને સ્થાનીક તરવૈયાઓની મદદથી યુવકને બહાર કાઢીને નાવડીમાં લઈ લીધો હતો. જાેકે, નદીમાં લાંબો સમય રહેવાને લીધે યુવકના શરીરમાં પાણી ભરાઈ ગયુ હતુ અને એ બેશુધ્ધ અવસ્થામાં હતો. જાેકે, નાવીકોએ સીપીઆર આપીને એના હૃદયને પુનઃ ધબકતું કરીને એને નવ જીવન આપ્યુ હતુ. યુવકનો જીવ બચાવવા બદલ નાવીકોનો લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.