રાજકોટ-

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી બચ્યાં છે, ત્યારે લોકોમાં અત્યારથી પતંગ ચગાવવાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ઉડતા પતંગની ધારદાર દોરીઓ પક્ષીઓની સાથે જ રસ્તેથી પસાર થતાં વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થાય છે. ત્યારે રાજકોટમાં ઉત્તરાયણ પહેલા પતંગની દોરીએ એક યુવક ભોગ લીઘો હોવાનું સામે આવ્યું છે. નાનામૌવા રોડ પર યુવકનું ગળું કપાઈ જતા મોત નિપજ્યું છે. ઘટનાને પગલે પરિવારમાં અરાજકતા ફેલાઈ હતી. તો પરિવારમાં માતમ છવાયો છે.

મળતી માહિતી મુજબ શહેરના અંકુરનગર મેઈન રોડ ઉપર ગોપાલ પાર્કમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા વિપુલ નામનો 39 વર્ષીય યુવક નાનામવા રોડ ઉપરથી મિસ્ત્રીકામ પૂરૂ કરીને તેના કારીગર સાથે એક્ટિવામાં ઘર તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન અજમેરા શાસ્ત્રીનગર નજીક પહોંચ્યો ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળા ઉપર ફરી વળી હતી અને ગળામાં અંદર ઉતરી ગઈ હતી. જો કે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.  મિસ્ત્રીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવકનું મોત થતાં તેની 8 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે