વડોદરા, તા.૨૫ 

ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં હિમાલયમાંથી ફૂંકાતા બર્ફિલા પવનની સીધી અસર હેઠળ ગુજરાતમાં પણ ઉત્તર તરફથી ઠંડા પવન ફૂંકાતાં ફરી એકવાર કાતિલ ઠંડીનો સપાટો ફરી વળ્યો છે. આજે ઉત્તર તરફથી ૧૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે તાપમાનનો પારો ૧૩ ડિગ્રી થતાં તીવ્ર ઠંડીના સપાટાથી નગરજનો ઠૂંઠવાયા હતા.જાે કે, આગામી બે-ત્રણ દિવસ હજુ ઠંડીનો સપાટો રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છેે.

ફરી એકવાર ઠંંડા પવનના સપાટાને પગલે ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. જ્યારે બીજી તરફ કમાટીબાગ ઝૂમાં પશુ-પક્ષીઓને ઠંડીમાં રાહત મળે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા જે સાંજે ૩૭ ટકા અને હવાનું દબાણ ૧૦૧૩.૨ મિલિબાર્સ અને ઉત્તર-પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની ગતિ પ્રતિકલાકના ૧૨ કિ.મી. નોંધાઈ હતી. આમ ફરી એકવાર ફૂલગુલાબી ઠંડીના સપાટાને પગલે શહેરના વિવિધ બાગ-બગીચાઓમાં મોર્નિગવોક માટે જનારાની સંખ્યા વધી છે. ફૂલગુલાબી ઠંંડીના કારણે શહેરનું વાતાવરણ ખુશનૂમા બન્યું છે.