લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026 |
વડોદરા |
1881
ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના કારોબારમાં પર અંકુશ લાદવા માટે રાજ્ય પોલીસે શરુ કરેલા એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોને ગઈકાલે ડભોઈ તાલુકાના કુંઢેલા પાસેથી રુપિયા ૯,૩૪,૫૦૦ની કિંમતના ૨૬૭ ગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે ત્રણ પેડલરોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ડ્રગ પેડલરોએ કબુલાત કરી હતી કે, વાપીનો આરીફ નામનો એક ડ્રગ ડિલર તેમને વરણામા ચોકડી પાસે હાઈબ્રીડ ગાંજાે આપી ગયો હતો. એ.એન.ટી.એફના અધિકારીઓએ આ બાબતે ડભોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અને તેની તપાસ કરજણ પોલીસને સોંપવામાં આવી છે.
પોલીસના એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સને બાતમી મળી હતી કે, વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલા ખીસકોલી સર્કલ પાસેના સર્વોદય પાર્કમાં રહેતો રાજ કાલીદાસ ઓંગણીયા હાઈબ્રીડ ગાંજાનો ધંધો કરે છે. જેથી એ.એન.ટી.એફના અધિકારીઓએ તેને રંગેહાથ પકડવા માટે બાતમીદારોને વધુ સક્રિય કર્યા હતા. જે દરમિયાન રાજ ઓંગણિયા ડભોઈ તાલુકાના કુંઢેલા ગામ પાસેના મોસમપુરા નજીક ગાંજાની ડિલિવરી આપવા તૈયાર થયો હતો.
જેથી પોલીસની ટીમે મોસમપુરા ગામે ફિલ્ડીંગ ગોઠવી હતી. ગઈકાલે નિયત કરેલા સમયે રાજ ઓંગણિયા મોસમપુરા વાળા રોડ પર પહોંચ્યો હતો. તેને પકડવા માટે પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી. થોડીવાર બાદ પોલીસનો બાતમીદાર નકલી ગ્રાહક બનીને રાજ પાસે પહોંચ્યો હતો. બંને વચ્ચે થયેલી વાતચીત બાદ એક મોપેડ પર બે જણા સવાર થઈને ત્યાં પહોંચ્યા હતા. બંનેની હાલત શંકાસ્પદ હતી. એટલે આસપાસ છૂપાયેલી પોલીસ અચાનક ત્રાટકી હતી અને રાજ સહિત બંને મોપેડ સવારોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની તલાશી લીધી હતી. ઉપરાંત, તેમની મોપેડની ડીકી ચેક કરી હતી.
જેમાં લીલારંગની બે થેલીઓમાં નાની-નાની પડિકીઓ જાેવા મળી હતી. તપાસ કરતા નાની-નાની પડિકીઓમાં હાઈબ્રીડ ગાંજાે હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે તેમની પાસેથી ૨૬૭ ગ્રામ હાઈબ્રીડ ગાંજાે જપ્ત કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રિય બજારમાં કિંમત રુપિયા ૯,૩૪,૫૦૦ હોવાનો ખુલાસો થયો હતો. એ.એન.ટી.એફની ટીમે ડભોઈ પોલીસમાં ઉપરોક્ત રેઈડ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઈ વી કે ગરાસીયાની ફરિયાદને આધારે ડભોઈ પોલીસે એનડીપીએસ અંતર્ગત ગુનો દાખલ કરીને દીનેશ રામજીભાઈ ઠાકોર (રહે. ક્રિષ્ણા સિટી, કેલનપુર), વિશાલ અરવિંદભાઈ પરમાર (રહે. ભાટિયા શેરી, પ્રતાપનગર, વડોદરા), રાજ કાલીદાસ ઓંગણિયા (રહે. સર્વોદય નગર, કલાલી, વડોદરા)ની ધરપકડ કરી છે. અને વાપીના ડ્રગ ડિલર આરીફને વોન્ટેડ જાહેર કર્યો છે.