ભરૂચ-

દેશમાં સરકાર બદલાઈ પણ પેટ્રોલના ભાવ ઘટવાની જગ્યાએ દિન પ્રતિદિન વધી રહ્યા છે. દેશમાં કેટલાય રાજ્યોમાં પેટ્રોલના ભાવ ₹૧૦૦ને પાર કરી ચુક્યો છે. કોરોનાકાળમાં આર્થિક રીતે તૂટી ચૂકેલા અને ઓછી આવક સામે મહિનાના બજેટમાં પેટ્રોલના વધતા ભાવ સાથે જ પેટ્રોલિયમ પદાર્થના વધતા ભાવોના અસરના કારણે રોજમદારની બજારની ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને ચઢી ગયા છે.

ત્યારે પેટ્રોલની ગાડીઓ હંકારવી ગરીબ તેમજ મધ્યમવર્ગીયને આર્થિક રીતે પરવડે તેમ ન હોવાની વાતને ધ્યાને લઇ નેત્રંગના લાલમંટોડી વિસ્તારના ઈમ્તીયાઝ ખત્રીએ બેટરીથી ચાલતી ઇ-સાયકલ બનાવી છે. પોતે ભંગારના વેપારી હોવાથી પોતાને ત્યાં પડી રહેલ ચીજ વસ્તુઓ તેમજ અન્ય ભંગારીઓના ત્યાંથી જરૂરી સમાન મેળવી એક ઇ-સાઇકલ બનાવી દીધી છે. જેની વિશેષતાની વાત કરીતો ચાર ટાયરની ઇ-સાઇકલ જેમાં ૨૪ વોલ્ટની મોટર સાથે ૧૨-૧૨ વોલ્ટની બે બેટરી જોડેલ છે. ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી સાયકલ દોડી શકે છે. એક વખત બેટરી ફુલ ચાજઁ કયૉ બાદ આ સાઇકલ ૫૦ કિમી સુધી પ્રવાસ કરી શકે છે. સાયકલનું વજન ૬૦ કિ.ગ્રા ચાર ટાયરની આ સાઈકલને એક બાળકથી લઇને યુવકો પણ આસાનીથી હંકારી શકે છે. જેવી રીતે મોટરગાડીમાં પગથી એક્સીલરેટર અને બ્રેક મારી શકાય છે, તેવી જ રીતે આ ઇ-સાયકલને પણ એક્સીલીટર-બ્રેક મારી શકાય છે. પાછળના ભાગે એક બાસ્કેટ મૂક્યું છે જેમાં ૧૦ કિલોગ્રામ સુધીનો સામાન પણ મૂકી શકાય છે. આ સાયકલને બનાવવા માટે ભંગારનો વેપારીને ૨ મહિનાનો સમય લાગ્યો હતો. ભંગારના વેપારીએ વેસ્ટમાંથી બેસ્ટ એટલે ભંગારનો ઉપયોગ કરી રૂ.૫૦૦૦ જેટલા મામુલી ખર્ચે ઇ-સાઇકલ તૈયાર કરી બતાવી છે. નેત્રંગના રોડ ઉપર દોડતી ઇ-સાઇકલને જોઇ લોકોની નજર એકસમયે થંભી ગઈ હતી. જોકે વેસ્ટમાંથી બેસ્ટની કરામત કરનાર ભંગારના વેપારીની આવડતને નેત્રંગવાસીઓએ વધાવી લીધી હતી.