વડોદરા ઃ આવતીકાલે કારતક સુદ-૧૫ (પૂનમ)ને દેવદેવાળીના રોજ શહેરના એમ.જી. રોડ સ્થિત નરસિંહજીની પોળમાં બિરાજમાન ભગવાન નરસિંહજીનો ૨૫૮મો વરઘોડો કોરોનાની ગાઈડલાઈન મુજબ સાદગી અને સંયમપૂર્વક તેમજ પરંપરા જાળવી રાખી નીકળશે. ભગવાનને પરંપરાગત ચાંદીની પાલખીમાં બિરાજમાન કરી ફૂલોથી શણગારેલ આઈશર ટેમ્પોમાં તુલસીવાડી ખાતે લઈ જવાશે, જ્યાં જૂજ ૨૦ થી રપ ભક્તોની ઉપસ્થિતિમાં તુલસી વિવાહ યોજી રાત્રે ૧૨ વાગે ભગવાન નીજ મંદિરે પરત ફરશે.બીજી તરફ આવતીકાલે નરસિંહજીના વરઘોડાને લઈને શહેર પોલીસ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો છે. વરઘોડાના રૂટ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજે વારસિયા પોલીસ મથકે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠક પણ યોજાઈ હતી. આ ચર્ચામાં ભગવાન નરસિંહજીનો વરઘોડો શાંતિપૂર્ણ સંપન્ન થાય એવા પ્રયાસો હાથ ધર્યા હતા. વરઘોડાને લઈને નરસિંહજીની પોળને શણગારવામાં આવી છે.