/
આજે સૌથી મોટી હવનાષ્ટમીઃ આઠમાં નોરતે ભજીએ શ્વેતાંબરધરા મહાગૌરીને..

માતા મહાગૌરીના પૂજનઅર્ચન કરતા માતાનું દર્શન કરીએ ત્યારે તેઓ આ સ્વરુપમાં ગમ્ય બને છે. માતા મહાગૌરીની ચાર ભૂજાઓ જણાવવામાં આવી છે, તેમણે એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરુ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. માતા મહાગૌરી વૃષભ પર બેઠેલા છે, એટલે તેમને ’વૃષારુઢા’ તરીકે પણ સંબોધાય છે. દેવીનો વર્ણ ગૌર છે, વસ્ત્ર આભૂષણ પણ શ્વેત છે એટલે ’શ્વેતાંબરધરા’ તરીકે પણ ઓળખાય છે. માતા મહાગૌરીની મુખમુદ્રા અત્યંત શાંત છે.

માતા પાર્વતી આદ્યશક્તિ તરીકે બહુવિધ પ્રકારે પૂજાયા છે જેના કથાનકો આપણા ગ્રંથોમાં અને લોકમુખે જાણવા મળે છે. માતા મહાગૌરીની કથા પણ માતા પાર્વતી સાથે અનુસંધાન સાધે છે. એકદા માતા પાર્વતીએ ભગવાન શંકરની અતિ કઠિન ઉપાસના કરી, તપ કર્યું. અતિ તપના કારણે માતાનું વદન શ્યામવર્ણી થઈ ગયું હતુ. કૃશકાય બની ગયેલા મા પાર્વતી પર ભોળાનાથ પ્રસન્ન થયા અને તેમની તપશ્ચર્યા પૂર્ણ કરાવી. આ સમયે ભગવાને માતા પાર્વતીને ગંગાજળથી સ્નાન કરાવ્યું હતું. આ સાથે જ માતા પાર્વતી અતિ કાંતિમય સ્વરુપ ધારણ કર્યું અને શુભ્રવર્ણા બન્યા. જેને લઇને તેમને મહાગૌરી એવું નામ મળ્યું. માતા મહાગૌરી અત્યંત પ્રસન્ન મુદ્રામાં ભક્તોને મનમાન્યાં મનોરથ પૂર્ણ કરનારાં અને સ્મરણ કર્યે સાદ પૂરનારાં મમતામયી કહેવાયા. નવરાત્રિના આઠમાં નોરતાને ઉમાષ્ટમી તરીકે પણ ઓળખાય છે અને સમગ્ર નવરાત્રિના અનુષ્ઠાન સંદર્ભે આ દિવસે હવન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. કોરોનાનો સમયગાળો ન હોત તો આજના દિવસે તમને દરેક શક્તિ મંદિરમાં હવન થતો દ્રશ્યમાન થઈ શકે. ગુજરાતમાં તો શક્તિપીઠ અંબાજી સહિતના મોટા મંદિરોમાં આજના દિવસે વિશેષ હવન યોજાય અને માતાજીને વિવિધ ભોગ ધરાવવામાં આવે. આનંદ ઉચ્છવ મનાવવામાં આવે છે. હવનનો નભમાં જતી ધૂમ્રસેરોથી સમગ્ર વાતાવરણ સુગંધિત, પવિત્ર અને શુદ્ધ થઈ જતું હોય છે, જે જીવમાત્રને માટે ખૂબ જ સ્વાસ્થ્ય પ્રદાન કરનાર હોય છે. નભોમંડળમાં અલૌકિક તેજ વ્યાપે છે અને પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળવા, મનોકામનાઓ પૂર્ણ કરવા, કષ્ટ કાપવા મા મહાશક્તિ આશીર્વાદ આપે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution