આજે નવલખી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભાને સંબોધશે
23, નવેમ્બર 2022

વડોદરા, તા.૨૨

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે જે અંતર્ગત આવતીકાલે સાંજે ૪ વાગે વડોદરાના નવલખી મેદાન ખાતે શહેર-જિલ્લાના ભાજપના ૧૦ બેઠકોના ઉમેદવારોના પ્રચાર માટે જાહેરસભાને સંબોધવાના છે, જે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર દ્વારા સીધા સભાના સ્થળે આવશે અને સભા બાદ બાયરોડ એરપોર્ટ જશે અને ત્યાંથી ભાવનગર જશે. વડોદરાની સભામાં અગાઉ નવલખીમાં થયેલી તમામ સભાઓનો રેકોર્ડ તોડશે તેમ ભાજપના અગ્રણીઓએ જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં પ્રથમ તબક્કે તા.૧ ડિસેમ્બર અને બીજા તબક્કામાં વડોદરા સહિત વિવિધ જિલ્લાની બેઠકો પર તા.પમી ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રિયમંત્રીઓ, ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત ભાજપના સ્ટાર પ્રચારકો મોટી સંખ્યામાં ગુજરાતના વિવિધ શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં સભા ગજવી રહ્યા છે.

વડોદરા શહેર-જિલ્લાની ૧૦ બેઠકો પર ભાજપના ઉમેદવારોને સમર્થન માટે તેમના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે ૪ વાગે નવલખી મેદાન ખાતે સભાને સંબોધશે. ત્યારે વડાપ્રધાનની સભાને લઈને વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાનની સભાના આયોજન અંગે જાણકારી આપતાં પ્રદેશ ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે, નવલખી મેદાન ખાતે વડોદરા શહેર-જિલ્લાની ૧૦ વિધાનસભા ક્ષેત્રોને આવરી લેતી સભા થશે. સ્ટેજ, ડોમ તૈયાર થઈ રહ્યા છે. ઉપરાંત સભાસ્થળે વિવિધ બ્લોક પણ બનાવાયા છે. આ સભા અગાઉ નવલખી મેદાનમાં થયેલી તમામ સભાઓના રેકોર્ડ તોડશે એટલી મોટી સંખ્યામાં કાર્યકરો, લોકો ઉપસ્થિત રહેશે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન દાહોદ ખાતે સભા સંબોધીને હેલિકોપ્ટર મારફત સીધા નવલખી મેદાન સભાના સ્થળે આવશે અને સભા બાદ બાયરોડ વડોદરા એરપોર્ટ જશે અને ત્યાંથી ભાવનગર ખાતે જશે. વડોદરામાં સભા બાદ રોડ-શો નથી, પરંતુ વડાપ્રધાનને આવકારવા માટે વિવિધ સ્થળે પક્ષ દ્વારા પણ વ્યવસ્થા તંત્રના સહયોગથી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, વિજય સંકલ્પ જનસંમેલનમાં વડોદરા શહેર ઉપરાંત જિલ્લાની પાંચેય વિધાનસભામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અને સભામાં આવનાર લોકો માટે બસ, કાર, ટુ વ્હીલરના પાર્કિંગ માટે વિવિધ સ્થળે વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યંુ હતું.

શહેરમાં વોર્ડદીઠ પ થી ૭ હજાર લોકોને લાવવાનો ટાર્ગેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવલખી મેદાન ખાતે યોજાનારી જાહેરસભામાં દરેક ચૂંટણી વોર્ડદીઠ પાંચથી સાત હજાર લોકોને લાવવાનો ટાર્ગેટ ભાજપના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો વગેરેને આપવામાં આવ્યો હોવાનું તેમજ દરેક વોર્ડમાં લોકોને લાવવા-લઈ જવા માટે લકઝરી બસ, ખાનગી વાહનો વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જ્યારે જિલ્લાની પાંચ બેઠકો પરથી ૩૦ થી પ૦ હજાર લોકોને લાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જાે કે, વડાપ્રધાનની સભાને લઈને આજે અને આવતીકાલે વડોદરાની તમામ પાંચેય બેઠકોના ઉમેદવારોએ ફેરણી બંધ રાખી વોર્ડવાઈઝ ગ્રૂપ મિટિંગોનું આયોજન કરી વોર્ડમાંથી વધુમાં વધુ લોકો ઉપસ્થિત રહે તે માટેની કવાયત કરાઈ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution