શારજાહ 

અત્યાર સુધી ઓલરાઉન્ડ રમત દેખાડવામાં નિષ્ફળ રહેલી કિંગ્સ ઇલેવન પંજાબ ક્રિસ ગેલના સહારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વિરુદ્ધ ગુરૂવારે અહીં રમાનાર મેચથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)મા પોતાના અભિયાનને ફરી પાટા પર લાવવાનો પ્રયાસ કરશે. કિંગ્સ ઇલેવન પંજાબે અત્યાર સુધી કેટલીક રોમાંચક મેચ ગુમાવી છે. તેણે સાત મેચ રમી છે, જેમાંથી છ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે અને પ્લેઓફની આશાને જાળવી રાખવા માટે તેણે કોઈપણ ભોગે વિજય મેળવવો પડશે.

કિંગ્સ ઇલેવને ટૂર્નામેન્ટમાં પોતાની એકમાત્ર જીત આરસીબી વિરુદ્ધ હાસિલ કરી હતી અને તે આજે 24 સપ્ટેમ્બરની તે જીતથી પ્રેરણા લેવાનો પ્રયાસ કરશે પરંતુ તે ન ભૂલવુ ડોઈએ કે કોહલીની આગેવાની વાળી ટીમે ત્યારથી પોતાની રમતમાં ખુબ સુધાર કર્યો છે. શારજાહની વિકેટ હવે ધીમી પડી રહી છે પરંતુ અહીંનું નાનુ મેદાન ગેલ જેવા સિક્સર કિંગ માટે આદર્શ સાબિત થઈ શકે છે. આમ તો 41 વર્ષીય બેટ્સમેન માટે પ્રથમ બોલથી હાવી થવુ સરળ રહેશે નહીં કારણ કે તે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં રમ્યો નથી.

ગેલને પાછલી બંન્ને મેચમાં રમવાનું હતુ પરંતુ ફૂડ પોઇઝનિંગને કારણે બહાર બેસવુ પડ્યુ. હવે તે ફિટ થઈ ગયો છે અને જોવાનું રહેશે કે તેને કોના સ્થાને અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. ગ્લેન મેક્સલેવને બહાર કરવો એક વિકલ્પ હોઈ શકે છે કારણ કે તે અત્યાર સુધી સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. આ સિવાય કોઈ વિદેશી બોલરની કિંમત પર ગેલને પ્લેઇંગ ઇલેવનમાં રાખી શકાય છે.

કિંગ્સ ઇલેવન કેપ્ટન કેએલ રાહુલ (387 રન) અને તેનો ઓપનિંગ જોડીદાર મયંક અગ્રવાલ (337 રન)ના શાનદાર પ્રદર્શન છતાં પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. બોલિંગ તેના માટે ચિંતાનો વિષય છે કારણ કે મોહમ્મદ શમી અને રવિ બિશ્નોઈને છોડીને કોઈ બોલર વિશેષ કરીને ડેથ ઓવરોમાં પ્રભાવશાળી બોલિંગ કરી શક્યો નથી. યોગ્ય સંતુલન તૈયાર કરવાના પ્રયાસમાં સતત ફેરફાર પણ કિંગ્સ ઇલેવન પંજાબની ખરાબ સ્થિતિનું કારણ છે. કિંગ્સ ઇલેવન પંજાબે હવે તે આરસીબીનો સામનો કરવાનો છે, જેણે પ્રદર્શનમાં સતત સુધાર કર્યો છે.

છેલ્લા ઘણા વર્ષોમાં પ્રથમવાર લાગી રહ્યું છે કે તે બોલિંગમાં પોતાની નબળાઇમાંથી બહાર આવી ગયું છે. વોશિંગટન સુંદર અને યુજવેન્દ્ર ચહલની સ્પિન જોડી પ્રભાવી રહી છે, જ્યારે ક્રિસ મોરિસની વાપસીથી ટીમના ફાસ્ટ બોલિંગ યૂનિટને મજબૂતી મળી છે. આરસીબીએ પાછલી મેચ કોલકત્તા સામે આજ મેદાન પર રમી હતી અને ત્યાંની પિચની બદલતી પ્રકૃતિથી વાકેફ છે. પંજાબે અહીં છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરે રમી હતી અને ત્યારે વિકેટ બેટિંગ માટે સારી હતી. આરસીબીના ટોપ ચાર બેટ્સમેન (ફિન્ચ, દેવદત્ત પડીક્કલ, વિરાટ કોહલી અને ડિવિલિયર્સ) કોઈપણ બોલિંગ આક્રમણના છોતરા કાઢી શકે છે.