ગાંધીનગર-

મહેસાણામાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ૧૯ ન્યાય યાત્રાને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. નરેશ રાવલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને પણ નિવેદન આપ્યું હતું. નરેશ રાવલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ નીતિનભાઈ સાથે અન્યાય કરી રહ્યા છે.

કોવિડ ૧૯ ન્યાય યાત્રા બાબતે કોંગ્રેસના અગ્રણી નરેશ રાવલે કહ્યું હતું કે, ૧૬ ઓગસ્ટથી ન્યાય યાત્રા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તેમાં છેલ્લા બે અઠવાડિયામાં ખૂબ જ વધુ આંકડા બહાર આવ્યા છે. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના ૮૦૦૦ ફોર્મ કોંગ્રેસની પાસે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ૧૧૦૦૦ અને મધ્ય ગુજરાતમાં ૫૦૦૦ જેટલા મૃતકોના ફોર્મ કોંગ્રેસની પાસે આવ્યા છે. તો દક્ષિણ ઝોનમાંથી ૮૦૦૦ જેટલા ફોર્મ ભરાયા છે. તેમણે નીતિન પટેલ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ભાજપના વરિષ્ઠ નેતા છે અને એમની સાથે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓએ એક વાર નહીં પરંતુ અનેકવાર અન્યાય કર્યો છે. કોવિડ ૧૯ ન્યાય યાત્રા દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા, નેતા અને અગ્રણીઓ મહેસાણાના અલગ-અલગ ગામડાઓમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારના સભ્યોને મળીને સાંત્વના આપી રહ્યા છે. કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારના સભ્યોને સરકાર દ્વારા ૪ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી માગણી સાથે કોંગ્રેસ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજકીય સમીકરણો બદલાયા છે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા છે. તો સાથે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે અને તમામ મંત્રીઓને તેમના ખાતાઓ ફાળવી દેવામાં આવ્યા છે. હવે મંત્રીઓ તેમની જવાબદારી સંભાળી રહ્યા છે. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જનસંપર્ક શરૂ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રા દ્વારા લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે. તો કોંગ્રેસ દ્વારા કોવિડ ૧૯ ન્યાય યાત્રા દ્વારા લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે.