વડોદરા, તા. ૧૧

શહેરમાં મુખ્ય માર્ગો પર ગેરકાયદે દબાણો તેમજ આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક નિયમનના અભાવના કારણે પીકઅવર્સમાં ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આજે સાંજે પિકઅવર્સમાં જ છત્તીસગઢના એક મંત્રીના આગમનના કારણે હરણી એરપોર્ટ સર્કલની ચારે તરફ તેમજ મોડી સાંજે વુડા સર્કલની ચોફેર ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામમાં હજારો વાહનચાલકો સાથે દર્દીઓને દવાખાને લઈ જતી બે અમ્બ્યુલન્સ પણ ફસાતા દોડધામ મચી હતી. જાેકે ટ્રાફિકજામ એટલો બધો હતો કે જાગૃત વાહનચાલકોના પ્રયાસો બાદ પણ એમ્બ્યુલન્સ આગળ રવાના નહી થઈ શકતા ટ્રાફિકની આવી દુર્દશા અંગે વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.

શહેરના મોટાભાગના વિસ્તારોમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા દબાણો દુર કરવાનું નાટક કર્યાના ગણતરીના સમયમાં જ પરિસ્થિત પુર્વવત બની જાય છે. શહેરમાં વાહનોની સંખ્યામાં અધધ વધારો થયો છે તો બીજીતરફ પાર્કિંગની સુવિધા વિના જ કોમર્શિયલ બાંધકામોને મંજુરી આપી દેવામાં આવતા અને પાર્કિંગના સ્થાને લારીગલ્લાના ગેરકાયદે દબાણોનો રાફડો ફાટતા નાગરીકોને નાછુટકે મેઈનરોડ પર વાહનો પાર્ક કરવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પિકઅવર્સમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો હવે સામાન્ય થઈ ગયા છે.

પિકઅવર્સમાં જ કોઈ વીવીઆઈપીની મુવમેન્ટ થવાની હોય તો પોલીસ તંત્ર હજારો વાહનચાલકોની તકલીફોને ધ્યાને લેવાના બદલે પ્રજાએ ચુંટેલી આવી એકાદ વીવીઆઈપી વ્યકિતની સુવિધા માટે ટ્રાફિક નિયમન બંધ કરી દેતી હોઈ ટ્રાફિકજામમાં હજારો વાહનચાલકો લાંબો સમય સુધી અટવાતા હોય છે. આવો જ કિસ્સો આજે સાંજે ટ્રાફિકથી ધમધમતા હરણી એરપોર્ટ સર્કલ ખાતે સર્જાયો હતો. સાંજે સાડા છ વાગે પિકઅવર્સમાં જ છત્તીસગઢના મંત્રી મહેશ ગાગડ પસાર થવાના હોઈ એરપોર્ટસર્કલના ચારે તરફ વાહનવ્યવહાર અટકાવી દેવાયો. અચાનક વાહનવ્યવહાર અટકાવી દેવાતા એરપોર્ટથી સરદાર એસ્ટેટરોડ પર તેમજ હરણી અને કારેલીબાગ અમિતનગર તરફ આશરે એક કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો જેમાં હજારો વાહનચાલકો ગરમીમાં શેકાયા હતા.

આ ટ્રાફિક જામની ગણતરીની મિનીટોમાં જ વાહનોની ધમધમતા વુડાસર્કલ પાસે પણ ટ્રાફિક નિયમનના અભાવે ટ્રાફિકજામ સર્જાતા સર્કલના ચારેતરફ હજારો વાહનોની કતાર જાેવા મળી હતી. આ દરમિયાન ટ્રાફિક જામમાં ઈમરજન્સી સાયરન સાથે પસાર થઈ રહેલી બે એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાતા દોડધામ થઈ હતી. જાેકે કેટલાક જાગૃત વાહનચાલકોએ એમ્બ્યુલન્સને આગળ રવાના કરવા માટે પ્રયાસ કર્યા હતા પરંતું ટ્રાફિકજામ એટલો હતો કે એમ્બ્યુલન્સ આગળ વધી શકી નહોંતી. શહેરના મુખ્ય જંકશનો પર વારંવાર સર્જાતા ટ્રાફિકજામમાં હજારો વાહનચાલકો અટવાતા હોવા છતાં તંત્ર દ્વારા તેનો કાયમી નિકાલ નહી લવાતા વાહનચાલકોમાં પણ ટ્રાફિક પોલીસની કામગીરી સામે રોષ ફેલાયો છે.

વાહનચાલકોના ફીટકાર છતા પાંચ વર્ષમાં વીવીઆઈપીને ફરક નથી પડતો

દેશભરના તમામ શહેરોમાં વીવીવાઈપીને કોઈ અગવડ ના પડે તે માટે તેઓના આગમન સમય રોડ પર વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવે છે. વાહનવ્યવહાર અટકાવી દેવાતા હજારો વાહનચાલકો રોડ પર અટવાઈ જતા હોય છે અને ત્યાંથી પસાર થતા આવા પ્રજાએ જ ચુંટેલા પાંચ વર્ષની વીવીઆઈપી પણ રોડ પર અટવાયેલા હજારો વાહનચાલકોને જાેઈ આગળ પ્રજાની હાલાકી જુએ છે પરંતું તેઓના પેટનું હાલતુ નથી. એ વાત અલગ છે કે આવા વીવીઆઈપીને વાહનચાલકો આક્રોશ સાથે ફીટકાર વરસાવે છે.