15, એપ્રીલ 2025
બેલાગવી, કર્ણાટક |
બેલગામમાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
મંગળવારે સવારે કર્ણાટકમાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જેના કારણે રેલ સેવાઓ ખોરવાઈ છે. મંગળવારે સવારે બેલાગવી રેલ્વે સ્ટેશનમાં પ્રવેશ કરતી વખતે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે રૂટ પર રેલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. જે ઘટનાની રેલવે અધિકારી દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. જાેકે, હાલમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.
માલગાડી મહારાષ્ટ્રના મિરાજ તરફ જઈ રહી હતી
અકસ્માત બેલગામના કોંગ્રેસ રોડ પર મિલિટરી મહાદેવ મંદિરની સામેના પાટા પર થયો હતો. માલગાડી મહારાષ્ટ્રના મિરાજ તરફ જઈ રહી હતી. દક્ષિણ પશ્ચિમ રેલ્વે દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર રૂટ પુન:સ્થાપનના પ્રયાસોને ઝડપી બનાવવા માટે હુબલીથી એક અકસ્માત રાહત ટ્રેન સ્થળ પર રવાના કરવામાં આવી છે. સંબંધિત સ્ટેશનો પર અસરગ્રસ્ત મુસાફરો માટે જરૂરી વ્યવસ્થા કરાઇ છે.
બેલાગવી રેલ્વે પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી
રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, દક્ષિણ પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. ટ્રેકના પુન:સ્થાપનનું કામ ચાલુ છે. ટ્રેન સેવાઓમાં કોઈપણ ફેરફારની જાણ કરવામાં આવશે. દરમિયાન, બેલાગવી રેલ્વે પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને તપાસ કરી રહી છે.