રાજપીપળા : કોરોના મહામારી વચ્ચે બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે સરકારે ઓન લાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષા આપવા જે તે શાળાના શિક્ષકોને આદેશ કર્યો છે, જ્યાં નેટવર્કનો અભાવ હોય છે ત્યાં ટીવીના માધ્યમથી પણ શિક્ષણ અપાઈ રહ્યું હોવાનું ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એક જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતું.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એમ પણ જણાવ્યું હતું કે લોકડાઉનમાં દરેક બાળકના શિક્ષણ બાબતે સરકારે ચિંતા કરી હતી. હવે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ કોરોના મહમારીમાં અપાતા ઓન લાઈન શિક્ષણ મુદ્દે કેન્દ્રને પત્ર લખ્યો છે.ભારત સરકારના શિક્ષા મંત્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’ ને એક પત્ર લખી એમણે એમ જણાવ્યું છે કે નેટવર્કના અભાવે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ ઓન લાઈન શિક્ષણથી વંચિત રહી જાય છે.પોતાના પત્રમાં ભાજપ સાંસદે વધુમાં જણાવ્યું છે કે કોરોના મહામારીમાં ઓન લાઈન શિક્ષણનો ફાયદો ફક્ત શહેરી અને એની આસપાસના વિસ્તારના બાળકોને મળે છે, જ્યારે દેશના અંતરિયાળ આદીવાસી વિસ્તારમાં નેટવર્કનો હાલમાં પણ અભાવ છે.
ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું છે કે દેશમાં તમામ લોકોને એક સમાન શિક્ષા માટે અંતરિયાળ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં નવા ટાવર ઉભા કરવાની તજવીજ હાથ ધરવી જોઈએ.
સ્કૂલના બાળકોને વારા વારા ફરથી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમો સાથે સપ્તાહમાં એક-બે વાર શાળામાં ઉપસ્થિત રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ, બાળકોને હોમવર્ક પણ આપવું જોઈએ જેથી પોતે વિદ્યાર્થી છે એવો બાળકોને એહસાસ થાય.
Loading ...