મહુધા, તા.૧૫ 

મહુધા-નડિયાદ રોડ પર આજે સવારના સમયે નડિયાદ તરફથી લોખંડના સળીયા ભરીને આવતી ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતાં ભુલીભવાની પાટીયાની નજીક રોંગસાઇડની ગટર પાસે આવેલાં ઝાડ સાથે ટ્રક ભટકાવી હતી. આ ગોઝારા અકસ્માતમાં ટ્રકના ડ્રાઇવર સહિત ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ, મહુધા-નડિયાદ રોડ પર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતાં રહે છે. થોડાં દિવસ અગાઉ વીણા નજીક થયેલાં અકસ્માતમાં વાહન ચાલકોને ઈજાઓ પહોંચી હતી. બુધવારે વહેલી સવારે ૬ વાગ્યાની આસપાસ ટ્રક ડ્રાઇવરની બેફિકરાઇથી બેનાં મોત નીપજ્યાં હતાં. મહુધા-નડિયાદ રોડ પર ભુલીભવાની પાટીયા નજીક નડિયાદ તરફથી આવતી આરજે૦૬ જીસી૦૫૨૯ નંબરની ટ્રક રોંગસાઇડમાં ગટરમાં ઊતરી ઝાડ સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરનું ઘટના સ્થળે મોત થયું હતું. ટ્રકમાં ભરેલા લોખંડના સળીયા ગટરને અડીને આવેલાં ખેતરની પાળે ઢસળી પડ્યાં હતાં, જેનાં પગલે મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રકના કેબીનનો લોચો વળી જવાથી ભારે જહેમત બાદ ડ્રાઇવર અને ક્લીનરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતાં. મૃતદેહને મહુધા સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયાં હતાં. તેમજ ક્રેન બોલાવી ટ્રકને મહુધા લાવવામાં આવી હતી. મહુધા પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. મૃતક ડ્રાઇવર તરીકે નારાયણ બલુરામ તૈલી (ઉં.૨૧, રહે.આસોપ, તા.કોટડી, જિ.ભીલવાડા) અને ક્લીનર ઓમપ્રકાશ કાલુરામ ગોસ્વામી (ઉં.૧૯, રહે.આસોપ, તા.કોટડી, જિ.ભીલવાડા)ના હોવાનું જાણવા મળ્યું હતું.