બીજીવખતના મહાભિયોગમાંથી ટ્રમ્પ કેવી રીતે બચી ગયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ફેબ્રુઆરી 2021  |   2574

વોશિંગ્ટન-

6 જાન્યુઆરીએ કૅપિટલમાં હિલમાં થયેલી હિંસાને ભડકાવવાના આરોપમાંથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સેનેટે મુક્ત કરી દીધા છે. આ પહેલાં સેનેટે શનિવારે બીજી વખત લવાયેલા મહાભિયોગના પ્રસ્તાવ પર પાંચમા દિવસે ટ્રમ્પ સામે સુનાવણી પૂર્ણ કર્યા બાદ મતદાન કરાવ્યું હતું.

આ મતદાનમાં ટ્ર્મ્પને દોષિત ગણવા માટે કુલ 67 મતોની જરૂર હતી, પણ એટલા મતોથી તેમને દોષિત નહોતા ઠરાવી શકાયા. મતદાનમાં 57 સેનેટરોએ તેમને દોષી ગણ્યા, જ્યારે 43 સેનેટરોના મતે તેઓ દોષી નથી. એવામાં ટ્રમ્પને દોષી ઠેરવવા માટે આવશ્યક બે તૃતીયાંશ એટલે કે 67 વોટની જરૂર હતી, જે મળી શક્યા નથી. શનિવારે ડેમોક્રેટ્સે પોતાનો પક્ષ મૂક્યા બાદ ટ્રમ્પના બતાવમાં દલીલ સાંભળવા માટે બે કલાકનો સમય નક્કી કર્યો હતો, જે બાદ સેનેટમાં મતદાન થયું હતું. ટ્રમ્પના વકીલ માઇકલ વૉન ડેર વીને તેમના બચાવમાં કહ્યું કે કૉંગ્રેસ પર હુમલો સુનિયોજિત હતો અને એ માટે પહેલાંથી યોજના બનાવાઈ હતી, આ ઘટનાને ટ્રમ્પના ભાષણ સાથે જોડીને ન જોવું જોઈએ. તેમણે પોતાની આખરી દલીલમાં કહ્યું કે, ટ્રમ્પ પર જે આરોપો મૂકવામાં આવ્યા છે, તે કોઈ કાનૂની આધાર પર ટકેલા નથી.

સેનેટે વર્તમાન સમયમાં રાષ્ટ્રીય હિતો સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ અને સુનાવણી જલદીથી ખતમ કરવી જોઈએ એવું તેમણે કહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના બચાવમાં તેમના વકીલોએ ડૅમોક્રૅટિક પાર્ટીના સભ્યોના શબ્દોનો જ તેમની વિરુદ્ધ ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ટ્રમ્પની લીગલ ટીમે લીડ ઇમ્પિચમૅન્ટ મૅનેજર જેમી રસ્કિન સહિત હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યોની એ જૂની વીડિયો ક્લિપ રજૂ કરી, જેમાં તેઓ પહેલાં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામોનો વિરોધ કરતાં દેખાઈ રહ્યા હતા. ટ્રમ્પના વકીલોએ પૂછ્યું, જો ડૅમોક્રૅટ્સ ચૂંટણીનાં પરિણામોને પડકારી શકે, તો ટ્રમ્પ કેમ નહીં? વીડિયો ક્લિપમાં ડૅમોક્રૅટ્સનાં નિવેદનો બાદ એ ફૂટેજ દેખાડવામાં આવ્યાં, જેમાં પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસાની ઝલક હતી. ટ્રમ્પના વકીલ માઇકલ વેન દ બ્લીને ધ્યાન અપાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડનના ચૂંટણીઅભિયાનનો નારો 'અ બૅટલ ફૉર ધ સોલ ઑફ અમેરિકા' હતો. બ્લીને કહ્યું કે તેઓ એવું નથી ઇચ્છતા કે ડૅમોક્રૅટ્સને સજા મળે બલકે તેઓ તો એ જણાવવા માગે છે કે, અમેરીકાના રાજકારણમાં આ પ્રકારની દલીલબાજી તો થતી જ રહે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution