વોશિંગ્ટન-

સત્તાના હસ્તાંતરણ દરમિયાન જેમના ભડકાઉ નિવેદનોને પગલે અમેરિકાના વોશિંગટ્નમાં તોફાનો ફાટી નિકળ્યા હતા એવા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઐતિહાસિક બીજા મહાભિયોગની ટ્રાયલ મંગળવારથી શરૂ થશે. અમેરિકી સાંસદો ઈચ્છે છે કે આ ટ્રાયલનો વહેલી તકે નિકાલ આવે. ટ્રાયલ દરમિયાન સેનેટે એ નિર્ણય કરવાનો છે કે 6 જાન્યુઆરીએ યુએસ કેપિટલની ઘેરાબંદી કરવા માટે ટ્રમ્પ્ને તેમના સમર્થકોની હિંસક ભીડને ઉશ્કેરવાનો દોષિત ઠેરવાય કે નહીં? આમ તો આ મહાભિયોગનો ઉદ્દેશ્ય ટ્રમ્પ્ને આ ઘટનાક્રમ માટે જવાબદાર ઠેરવવાનો છે. એટલા માટે તે હથિયારોથી સજ્જ રમખાણકારોના કેપિટલ હિલ પર હુમલાના વીડિયોના અનેક ક્લિપ સાથે પ્રેઝેન્ટેશન પણ આપવા માગે છે.

કોઈપણ રાષ્ટ્રપતિ પર તેમના કાર્યકાળ દરમિયાન બીજીવાર મહાભિયોગ પ્રસ્તાવ લવાયો હોય એવો આ અમેરિકાનો પહેલો કિસ્સો છે. ટ્રાયલ દરમિયાન ડેમોક્રેટિકનો પ્રયાસ રહેશે કે તે એવા દરેક દૃશ્યો સામે લાવે જે બાઈડેનને સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ બનતા રોકવા માટે કરાયેલા રમખાણો, હુમલાની પીડાદાયક તસવીરો રજૂ કરે. સેનેટના મુખ્ય નેતા ચાર્લ્સ શૂમર અને લઘુમતી નેતા મિચ મેકકોનેલ ટ્રાયલને લઈને સંગઠન સાથે એક ડીલ કરવા માગે છે. સેનેટર કેવિન ક્રેમરે કહ્યું કે મને નથી લાગતું કે આ એક સપ્તાહથી આગળ વધશે અને તેના માટે કોઈ અતિ ઉત્સાહિત છે.

ગૃહમાં મહાભિયોગની પ્રક્રિયાના મેનેજરોએ ટ્રમ્પ્ને સુનાવણીમાં સાક્ષી પૂરવા બોલાવ્યા છે. જોકે ટ્રમ્પ તરફથી દલીલ કરનારા વકીલ ડેવિડ આઈ સ્કોને કહ્યું કે ટ્રમ્પ સાક્ષી પૂરવા નહીં આવે. ચીફ મેનેજર જેમી રસ્કિને ટ્રમ્પ્ને લખેલા પત્રમાં તેમણે સુનાવણી દરમિયાન કે તેના પહેલા શપથ સાથે સાક્ષી પૂરવાનો આગ્રહ કર્યો હતો. 100 બેઠકો ધરાવતા ગૃહમાં રીપબ્લિકન અને ડેમોક્રેટ એમ બંનેમાં 50-50 સભ્યો હોવાથી રીપબ્લિકન પક્ષના ઓછામાં ઓછા 17 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે.