દિલ્હી-

બે પુખ્ત વ્યકિતઓ લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહી શકે છે તે જોતાં, અલ્હાબાદ હાઈકોર્ટે ફરરૂખાબાદના સિનિયર પોલીસ અધિક્ષકને આવા એક દંપતીને લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહેવાની સુરક્ષા પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.ન્યાયાધીશ અંજનીકુમાર મિશ્રા અને ન્યાયાધીશ પ્રકાશ પડિયાએ સોમવારે ફરરૂખાબાદના કામિની દેવી અને અજય કુમારે દાખલ કરેલી રિટ અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. અરજદારોએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ બંને પુખ્ત વયના છે અને એક બીજાને પ્રેમ કરે છે.

તેઓ છેલ્લાં છ મહિનાથી એક દંપતી તરીકે સાથે રહેતા હતા, પરંતુ કામિનીનાં માતા-પિતા તેને પરેશાન કરી રહ્યા છે. અરજદારોએ આરોપ મૂક્યો છે કે કામિનીના માતાપિતા ઇચ્છે છે કે તેણી એક આધેડ વ્યક્તિ સાથે લગ્ન કરે. અરજદારોએ 17 માર્ચ, 2020 ના રોજ આ અંગે ફરરૂખાબાદના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી હતી, પરંતુ આજદિન સુધી તેમની અરજી બાકી છે.

સંબંધિત પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ ખંડપીઠે કહ્યું કે, "માનનીય સુપ્રીમ કોર્ટે તેના એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવી જોગવાઈ કરી છે કે જ્યાં એક છોકરો અને છોકરી પુખ્ત વયના હોય અને તેમની ઇચ્છા પ્રમાણે સાથે રહે, તો પછી તેમના માતાપિતા સહિત કોઈપણ તેમને પણ સાથે રહેવામાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. " આ અરજીને સ્વીકારીને ખંડપીઠે કહ્યું, "અમારો મત એ છે કે આ અરજદારોને સાથે રહેવાની સ્વતંત્રતા છે અને કોઈ પણ વ્યક્તિને તેમના શાંતિપૂર્ણ જીવનમાં દખલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં." ભારતના બંધારણના આર્ટિકલ 21 હેઠળ જીવનનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે જે પ્રદાન કરે છે કે કોઈ પણ વ્યક્તિ જીવન જીવવાના અધિકાર અને વ્યક્તિગત સ્વાતંત્ર્યથી વંચિત રહેશે નહીં. "