લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, એપ્રીલ 2026 |
2079
અમદાવાદના દાણીલીમડામાં ચોરીની ઘટનામાં શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ૭ એપ્રિલનાં રોજ એ.વાય. હોકાબા ફેક્ટરી પાસે તસ્કરો એક્ટિવા અને તેની ડેકીમાં મૂકેલા લાખો રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા. ચોરીની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના સચોટ નેટવર્કની મદદથી ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરી કરાયેલો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે. વિગત મુજબ, ૭મી એપ્રિલની રાત્રે નવ વાગ્યાની આસપાસ ચોરીની ઘટના ઘટી હતી. ભોગ બનનાર વ્યક્તિએ પોતાની એક્ટિવા પાર્ક કરી હતી, જેની ડેકીમાં રોકડ રકમ સાથેનું પર્સ રાખેલું હતું. તકનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો આખું વાહન જ ચોરી ગયા હતા. ઘટનાની ગંભીરતાને જાેતા ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસમાં જાેડાઈ હતી. બાતમી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલા શખ્સો રિવરફ્રન્ટના ધોબીઘાટ પાસે જાેવા મળ્યા છે. જેના આધારે પોલીસે જાવેદ ઉર્ફે જાવલા ઐયુબભાઈ ઘોરી અને અરબાઝ ઉર્ફે દાંતલા ઇસ્માઇલભાઈ શેખ નામના બે આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેમની પાસેથી પોલીસે ચોરીનું એક્ટિવા, પર્સ, ચશ્મા અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, ડેકીમાં રહેલા રૂપિયા ૨,૦૫,૪૫૦ની રોકડ રકમ પણ પોલીસે સુરક્ષિત રીતે રિકવર કરી લીધી છે. કુલ મળીને રૂપિયા ૨,૫૦,૪૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા બંને આરોપીઓ ગુનાહિત માનસ ધરાવતા હોવાનું જણાય છે. હાલમાં દાણીલીમડા પોલીસ મથકે તેમની વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.