27, જાન્યુઆરી 2021
પંચમહાલ-
પાવાગઢ નજીક આવેલા છાજ દિવાળી ગામના પાટિયા પાસે મુખ્ય રોડ પર ગઈકાલે સાંજે બે બાઈક વચ્ચે અકસ્માત સજાર્યો હતો, જેમાં એક બાઈકસવાર હાલોલના તલાવડી ખાતે ડામોર ફળિયામાં રહેતા 34 વર્ષીય વસંત જીવાલાભાઈ પરમારનું ઘટના પર મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પાછળ બેઠેલા તલાવડીના નિશાળ ફળિયા પાછળ રહેતા નર્વતભાઈ ઉર્ફે ભીખાભાઇ બારીઆને ગંભીર ઈજા પહોંચી હતી. અને તેમને વડોદરા સારવાર માટે લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું.સામે તરફથી આવતો બાઈકચાલક છોટા ઉદેપુર હોવાનું હાલમાં જણાયું છે. જોકે, અકસ્માતમાં તેનું પણ ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે તેની પાછળ બાઈક પર બેઠેલી એક નાની બાળકી અને એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. આ બંને ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ હાલત ખૂબ જ ગંભીર થતા તેમને વડોદરામાં વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.અકસ્માત ઘટનાની જાણ થતા પાવાગઢ પોલીસ મથકની ટિમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આ બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે ઘટનાસથળે મરણ જનાર બે બાઈક ચાલકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.