વડોદરા, તા.૮

શહેર-જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો હતો. શહેરમાં સવારથી બપોર સુધીમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદને પગલે શહેર હિલ સ્ટેશનમાં ફેરવાઇ ગયું હતું. ધીમીધારે વરસેલા વરસાદ છતાં શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાતાં પાલિકાના પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. જાે કે, વરસાદને પગલે ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી. ચોમાસાની ઋતુમાં બ્રેક પાડીને વરસી રહેલા વરસાદને પગલે અસહ્ય ઉકળાટના કારણે લોકો ત્રાહિમામ્‌ પોકારી ગયા હતા. ત્યારે મોડી રાતથી વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસતાં લોકોએ ઉકળાટથી રાહત અનુભવી હતી. જાે કે, આજે સવારથી શહેરમાં ધમી ધારે બેઠો વરસાદ શરૂ થયો હતો. પરિણામે વહેલી સવારે સ્કૂલમાં જતાં વિદ્યાર્થીઓ તેમજ નોકરી-ધંધાર્થે જતાં લોકોને છત્રી, રેઇનકોટ સાથે નીકળવાની ફરજ પડી હતી. સવારથી છૂટોછવાયો વરસાદ બપોર સુધી જારી રહ્યો હતો અને દિવસ દરમિયાન વરસેલા માત્ર બે ઇંચ વરસાદમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાઇ જતાં હોવાથી શહેરીજનોએ કોર્પોરેશનની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. આમ તો પ્રથમ વરસાદમાં જ પાલિકાની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. વરસાદી વાદળો ગોરંભાયેલા હોવાથી હજી મેઘરાજા મનમૂકીને વરસે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. શહેરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ૩ મિ.મી. અને વહેલી સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં ૩૮ મિ.મી. વરસાદ ખાબકતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે લોકોએ ચા-ભજિયા અને સેવ-ઉસળની લારીઓ ઉપર જઇ મોજ માણી હતી. જાે કે, બપોરે ૪ વાગ્યા સુધીમાં શહેરમાં ૪૩ મિ.મી. વરસાદ થયો હતો. જાે કે, વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન સામે આવેલી કોર્પોરેશનની આંગણવાડીમાં વરસાદ વચ્ચે બાળકોને અભ્યાસ કરવાનો વખત આવ્યો હતો. તો બીજી તરફ વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલા જનમહલમાં પણ પાણી ભરાઈ જતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદ વચ્ચે પાંચ સ્થળે વૃક્ષો ધરાશાયી થયાં

ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થવાની ઘટનાઓ બની હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. જાે કે, આ ઘટનાઓમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. શહેરમાં વરસાદને પગલે વેમાલી કેનાલ પાસે આદર્શા બિલ્ડિંગ સામે ઝાડ પડ્યું હતું, જ્યારે વારસિયા લાલ અખાડા પાસે બે વૃક્ષ જમીનદોસ્ત થઇ ગયું હતું. જાે કે, કોઇ જાનહાનિ થઇ નથી. જ્યારે અકોટા પોલીસ લાઈન પાસે આંબલીનું તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં એક કાર અને ટેમ્પો દબાઈ ગયા હતા. સદ્‌નસીબે કોઈને ઈજા થઈ ન હતી. વડીવાડી વિસ્તારમાં પણ એક ઝાડ ધરાશાયી થયું હતું. મોડી રાત્રે ધોધમાર શરૂ થયેલા વરસાદને પગલે ફાયર બ્રિગેડ અને વીજ કંપનીની ટીમો એલર્ટ થઇ ગઇ હતી.

સામાન્ય વરસાદમાં રાજસ્થંભ સોસા.માં પાણી ભરાઈ જતાં લોકોમાં ભારે આક્રોશ

વર્ષોથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી ત્રસ્ત રાજસ્થંભ સોસાયટીમાં આજે ફરી એકવાર વરસાદી પાણી ભરાઈ જતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. સ્થાનિક કોર્પોરેટરે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કામગીરી નહીં કરાતાં પાલિકાની નિષ્ફળતાને ઉઘાડી પાડવા રહીશો સાથે પાણીમાં બેસી જઈને વિરોધ વ્યક્ત કર્યો છે. પાછલા અનેક વર્ષથી વડોદરા શહેરમાં સામાન્ય વરસાદ પડે ત્યાં તો રાજસ્થંભ સોસાયટીમાં ઘૂટણસમાં પાણી ભરાઈ જાય છે. આજે સામાન્ય વરસાદ પડતાંની સાથે રાજસ્થંભ સોસાયટીમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સોસાયટીની નજીકમાં જ વરસાદી કાંસ અને તળાવ આવેલા છે. જ્યારે એક તરફ પ્રવેશમાર્ગ છે. પ્રવેશમાર્ગ પર તેમજ કમ્પાઉન્ડમાં ઘૂંટણસમાં પાણી ભરાઇ જતાં આ વર્ષે માત્ર કાગળ પર થયેલી પ્રિમોન્સૂન કામગીરીને કારણે ફરી આવી જ સ્થિતિ સર્જાઈ છે. થોડા સમય પહેલા પાલિકાએ લાલબાગ તળાવને ખાલી કરવાની કવાયત હાથ ધરી હતી. જાે કે આ કામગીરી પણ નિષ્ફળ નીવડી છે. જ્યારે આજે સવારથી વડોદરા શહેરમાં ધીમીધારે સામાન્ય વરસાદ પડતાંની સાથે જ સોસાયટી ટાપુમાં ફેરવાતાં સોસાયટીના રહીશોએ રોષ વ્યકત કર્યો હતો.

લાલબાગ બ્રિજ સહિત વિવિધ વિસ્તારોમાં ગાબડાં, ભૂવા પડ્યા

શહેરના લાલબાગ બ્રિજ બન્યો ત્યારથી વિવાદમાં રહ્યો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ લાલબાગ બ્રિજમાં સામાન્ય વરસાદમાં અસંખ્ય ગાબડાં પડયાં છે. વાહનોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. ગાડીઓ ખાડામાં ગાબડામાં ફસડાઈ રહી છે, સાથે સાથે રાહદારીઓને ગાડીઓ ચલાવવાની મુશ્કેલી પડી રહી છે. સામાન્ય વરસાદમાં આ બ્રિજમાં મસમોટા ગાબડાં પડતાં લોકોએ પાલિકાની કામગીરી સામે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું. જ્યારે રેસકોર્સ વિસ્તારમાં પણ મસમોટો ભૂવો પડ્યો હતો. ઉપરાંત સમા-સાવલી રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ, પાણી, વરસાદી ગટર સહિતની કામગીરી બાદ યોગ્ય ચરી પૂરાણ નહીં કરાતાં રોડ બેસી જવાના બનાવો પણ જાેવા મળ્યા હતા. આમ પાલિકા દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે અને કામગીરી પર કેવું સુપરવિઝન થાય છે તે સ્પષ્ટ થાય છે.