અમદાવાદ

દાણીલીમડાના પિરાણા મ્યુનિસિપલ સ્ટાફ કવાટર્સમાં બે પાડોશી વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતા પાડોશી અને તેના મિત્રએ એક યુવકને માથાના ભાગે લાકડાનો દંડાના ફટકા માર્યા હતા. જેના પગલે ગંભીર ઈજાઓ થવાથી યુવકનું મોત થયુ હતુ. બીજી બાજુ દાણીલીમડા પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે બંન્ને શખ્સોના વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી બંન્ને આરોપીની ધરપકડ કરી છે.

દાણીલમડાના પિરાણા મ્યુનિસિપલ સ્ટાફ કવાટર્સમાં રહેતા નારણભાઈ પરમાર (ઉ.વ.૫૮) તેમના પત્ની, ત્રણ દિકરા બે દિકરી સાથે રહે છે અને પિરાણા પ્લાન્ટમાં પાણી છોડવાની નોકરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગત શુક્રવારે સાંજના સમયે નારણભાઈ તેમની પત્ની બંન્ને ઘરની આગળ ખાટલા માં બેઠા હતા ત્યારે એક બિલાડીના બચ્ચા તેમના ઘર પાસે આવ્યા હતા. જેથી નારણભાઈએ તે બચ્ચાને ઘરથી દૂર કાઢ્યા હતા જે જાેઈને પાડોશમાં રહેતો મહેન્દ્રભાઈ ઘરની બહાર આવીને મારી સામે શુ જાેવો છો તમારે મારા ઘર સામે જાેવુ નહી તેમ કહી બોલચાલ કરવા લાગ્યો હતો. દરમિયાન નારણભાઈનો દિકરો જગદીશ ત્યા આવીને મહેન્દ્રભાઈને સમજાવતો હતો ત્યારે મહેન્દ્રભાઈ ઝઘડો કરીને મારઝુડ કરવા લાગ્યા હતા. દરમિયાન મહેન્દ્રનું ઉપરાણુ લઈને ભરતભાઈ પણ ત્યાં આવી ગયા અને ભરતભાઈ અને મહેન્દ્રભાઈએ જગદીશને પકડીને માથાના ભાગે લાકડાના ફટકા માર્યા હતા. જેથી જગદીશ બેહોશ થઈ ગયો હતો. આ ઘટના બાદ જગદીશના પિતા તેને રીક્ષામાં બેસાડી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જાે કે સારવાર દરમિયાન જગદીશનું મોત નિપજ્યુ હતુ. બીજી બાજુ દાણીલીમડા પોલીસને ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જ્યાં મૃતક જગદીશના પિતા નારણભાઈએ મહેન્દ્ર ઉર્ફે મહેશ ડુંગરેલા અને ભરતભાઈ સોઢાના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી બંન્નેની ધરપકડ કરી છે.