મુંબઇ 

બોલિવૂડમાં ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ પોતાના બે અધિકારીઓ પર એક્શન લીધા છે. મુંબઈ NCBના બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમની પર શંકા વ્યક્ત કરવામાં આવી છે કે તેમણે કોમેડિયન ભારતી સિંહ, હર્ષ લિમ્બાચિયા તથા દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્માને જામીન આપવામાં મદદ કરી છે.

આ ઉપરાંત NCBના વકીલની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે જ્યારે આ સ્ટાર્સની જામીનની સુનાવણી થતી હતી ત્યારે વકીલ કોર્ટમાં હાજર રહ્યા નહોતા. આ જ કારણે NCB પોતાનો પક્ષ રજૂ કરી શક્યું નહીં. આ બંને અધિકારીઓ પર ડિપાર્ટમેન્ટલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે NCBને કોમેડિયન ભારતી સિંહના ઘરમાંથી અંદાજે 86.5 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારબાદ ભારતીની ધરપકડ કરવામાં આવી હતી. ભારતી તથા તેના પતિ હર્ષને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલામાં આવ્યા હતા. જોકે, ભારતીએ કોર્ટમાં અરજી કરતાં તેને જામીન મળી ગયા હતા, કારણ કે NCBના કોઈ અધિકારી કે વકીલ કોર્ટમાં હાજર રહ્યાં નહોતાં.

આવું જ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે થયું. તેના ઘરમાંથી 1.7 ગ્રામ હૈશ મળી આવ્યું હતું. કરિશ્માએ જ્યારે જામીન અરજી કરી ત્યારે પણ NCBના કોઈ અધિકારી કોર્ટમાં નહોતા અને તેને જામીન મળી ગયા હતા. હવે NCB તરફથી NDPS કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને હર્ષ તથા ભારતીના જામીન રદ કરવામાં આવે તેવી માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદની તપાસમાં ડ્રગ્સ કેસની વાતો સામે આવી હતી. અત્યાર સુધી NCBએ અનેક ફિલ્મ સ્ટાર્સ, ટીવી સ્ટાર્સ તથા પ્રોડક્શન કંપનીઓ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી છે.