મુંબઈઃ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના દેવેન્દ્ર ફડણવીસ હાલમાં એક અલગ વિવાદમાં ફસાઈ ગયા છે. દેવેન્દ્ર ફડણવીસના 22 વર્ષના ભત્રીજા તન્મય ફડણવીસનો કોરોના વેક્સીનનો ડોઝ લેતો ફોટો વાયરલ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના કોંગ્રેસ એકમે ટ્વિટ કરીને એ દાવો કર્યો છે કે દેવેન્દ્ર ફડણવીસના ભત્રીજાની ઉંમર 22 વર્ષની છે અને તે કોઈ ફ્રંટલાઈન વર્કર્સ પણ નથી. તો તેને કોરોના વેક્સીન કેવી રીતે આપવામાં આવી. તન્મય ફડણવીસે સોમવારે ઈન્સ્ટાગ્રામ પર વેક્સીન લેતો પોતાનો ફોટો શેર કર્યો છે. ત્યારબાદ મહારાષ્ટ્ર કોંગ્રેસે દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપની જોરદાર ટીકા કરી છે. સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યા છે કે એ કહેવત સાચી થઈ ગઈ કે 'કાકા મારા ધારાસભ્ય છે.'

જણાવવામાં આવી રહ્યુ છે કે કથિત રીતે તન્મય ફડણવીસે બંને વેક્સીન ડોઝ લઈ લીધા છે. પહેલો મુંબઈમાં અને બીજો નાગપુરની રાષ્ટ્રીય કેન્સર સંસ્થામાં. કોંગ્રેસે સવાલ કર્યો કે જ્યારે દેશમાં ફ્રંટલાઈન વર્કર્સ અને 45 વર્ષથી વધુ વયના લોકો માટે માત્ર દેશવ્યાપી રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે તો એક 22 વર્ષના યુવકે વેક્સીન કેવી રીતે લીધી. આની મંજૂરી ક્યાંથી આપવામાં આવી છે. કોંગ્રેસ નેતાએ પીએમ નરેન્દ્ર મોદીને ટ્વિટર પર ટેગ કરીને પૂછ્યુ છે કે શું તમને દેવેન્દ્ર ફડણવીસનો ભત્રીજો 45 વર્ષનો લાગે છે.'

કોંગ્રેસના એક નેતાએ ભત્રીજાનો વેક્સીન લેતો ફોટો ટ્વિટ કરીને કહ્યુ છે, 'પ્રિય દેવેન્દ્ર ફડણવીસ, શું તમારો ભત્રીજો તન્મય ફડણવીસ 45 વર્ષથી ઉપરનો છે? જો ના, તો તે વેક્સીન લેવા માટે કેવી રીતે યોગ્ય છે? રેમડેસિવિર (કોરોનાની દવા) ની જેમ શું તમે પરિવારના સભ્યોને ગેરકાયદે રીતે વેક્સીન લગાવી રહ્યા છો?' પોતાના એક અન્ય ટ્વિટમાં કોંગ્રેસ નેતાએ પીએમ નરેન્દ્ર મોદીને પૂછ્યુ, 'મોદીજી, ભાજપ નેતાઓના પરિવારોને કયા કાયદા હેઠળ વેક્સીન લગાવી રહ્યા છો, જ્યારે તે 45 વર્ષથી ઓછી ઉંમરના છે? તન્મય ફડણવીસે ગુનો કર્યો છે અને તેની તરત જ ધરપકડ થવી જોઈએ. ષડયંત્રકારી ફડણવીસ ફરીથી પકડાઈ ગયા છે. મહારાષ્ટ્રના લોકો જોઈ રહ્યા છે કે શું તે ગદ્દાર છે?'