અમદાવાદ-

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ૧૧મી તારીખે તેઓ શહેરમાં કેટલાક લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપશે. અષાઢી બીજના દિવસે દરવર્ષની જેમ આ વર્ષે પણ તેઓ જગન્નાથ મંદિરમાં રથયાત્રા પેહલાની મંગળા આરતીમાં પરિવાર સાથે ભાગ લેશે. આ વિશે ગુજરાત ભાજપ દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને ગૃહમંત્રીના કાર્યક્રમની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૧૧મી જુલાઈએ તેઓ બોપલમાં સિવિક સેન્ટરમાં સવારે ૧૦ કલાકે ઔડા દ્વારા નિર્મિત પાણી વિતરણની યોજના, તથા વિવિધ યોજનાઓના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. બાદમાં ૧૦.૪૫ કલાકે ઔડા રીટિંગ સેન્ટરની મુલાકાત લેશે. આ બાદ ૧૧ કલાકે વેજલપુરમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટની મુલાકાત લેશે અને સાંજે ૪ કલાકે સાણંદ એપીએમસીમાં સરકારની વિવિધ યોજનાનાના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કાર્યક્રમ કરશે. આ બાદ ૧૨મી જુલાઈએ ગૃહમંત્રી સવારે જગન્નાથજી મંદિરમાં રથયાત્રા પહેલાની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે આ પહેલા ૨૦મી જૂને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે હતા. તેમણે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે રૂ.૮૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ, ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.