28, સપ્ટેમ્બર 2021
ગીર સોમનાથ-
ગુલાબ વાવાઝોડની ગીર સોમનાથ જિલ્લા અને ગીર જંગલમાં સોમવારે બપોર બાદ અસર વર્તાયેલ જોવા મળી રહી છે. જિલ્લાના છ તાલુકાઓમાં સરેરાશ 1 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે, ત્યારે ધોધમાર વરસાદના પગલે જિલ્લાના હિરણ-2, શિંગોડા, રાવલ ડેમના દરવાજા ખોલવા પડેલા હતા, જ્યારે દ્રોણેશ્વર ચેકડેમ ઓવરફ્લો થયેલા, ત્યારે સરસ્વતી નદીમાં પૂર આવતા તેના પટમાં આવેલા પ્રખ્યાત પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર ફરી જળમગ્ન થયુ હતુ, જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની શેરી-રસ્તાઓ પર વરસાદી પાણીની નદી વહેતી થયેલી જોવા મળતી હતી. ત્યારે સરસ્વતી સહિતની અનેક પૂર આવ્યા હતા.સોમવારે બપોરે બાદ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હોય તેમ આકાશમાં થોડા સમયમાં જ ઘટાટોપ કાળા ડીંબાગ વાદળોનું સામ્રજ્ય છવાય ગયુ હતુ. ગાજવીજ સાથે મેઘરાજાએ પઘરામણી કરી હેત વરસાવવાનું શરૂ કરેલું હતુ. આ મેઘસવારી સાંજ સુધી ધીમી ધારે અવિરત ચાલુ રહી હતી.
સમગ્ર જિલ્લામાં સાર્વત્રીક વરસાદ વરસવાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો શહેરી વિસ્તારમાં રસ્તાઓ પર અને ગ્રામ્ય વિસ્તારમાં શેરીઓમાં વરસાદી પાણીની નદી વહેતી જોવા મળી હતી. જ્યારે ગીર જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળેલું છે. કેમ કે, ગીર જંગલની બોર્ડરના ગામોના નદી-નાળાઓમાં એકાએક મબલખ પાણીની ધીગી આવક જોવા મળી હતી.ઉપરવાસની સાથે જિલ્લામાં બપોરના સમયગાળામાં વરસેલા ધોધમાર વરસાદના પગલે જિલ્લાના સૌથી મોટા હિરણ-2 ડેમના બે દરવાજા 0.15 સેમી ખોલવા પડયા હતા, જ્યારે ઉના તાલુકામાં આવેલા રાવલ ડેમમાં વરસાદી પાણીની ભરપુર આવકના પગલે 2 દરવાજા એક-એક ફૂટ ખોલાવામાં આવ્યા હતા, જ્યારે કોડીનાર પંથકમાં આવેલા શિંગોડા ડેમમાં વરસાદી પાણીની ભારે આવકના પગલે ડેમના 2 દરવાજા ખોલાવા પડ્યા હતા, જેમાં એક દરવાજો 0.15 મીટર અને બીજો દરવાજો 0.60 મીટર ખોલાવામાં આવ્યો છે.