કમોસમી વરસાદ: રાજ્યના ૨૬ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, માર્ચ 2026  |   2574

અમદાવાદ, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં થોડા દિવસથી ગરમીમાં આંશિક રાહત મળી રહી છે. તો આજે સવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગે આજે બપોરે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. ગુરુવારે એટલે કે, ૧૯મી માર્ચના રોજ એક કે બે નહીં પરંતુ ૨૬ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આજે આપેલી માહિતી પ્રમાણે, ૧૮ માર્ચના બુધવારના રોજ કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. જ્યારે ૧૯ માર્ચે ગુરુવારના રોજ ૨૬ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુરુવારના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ૨૦ માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. એટલે લગભગ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં માવઠાની ઘાત છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે ૨-૩.૦ સે ઘટાડો નોંધાઈ શકે છે. ત્યારબાદ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution