ગોત્રીમાં હનુમાનજીની કથાના સ્થળે ચગડોળના સંચાલન મામલે હોબાળો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026  |   વડોદરા   |   1683

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ કલાનગરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત હનુમંત ચરિત્ર કથાના સ્થળે રાઈડ્સના સંચાલનને લઈને મોટો વિવાદ સર્જાયો છે. કથા સ્થળે બાળકો માટે રાખવામાં આવેલી રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજના યુવકો દ્વારા કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરી સ્થાનિક હિન્દુ સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને રાઈડ્સ બંધ કરાવી દીધી હતી.

રવિવારે રાત્રિના સમયે હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો કથા સ્થળે પહોંચ્યા હતા. સંગઠનના સભ્ય નયન સકપાલના જણાવ્યા અનુસાર, કથાની પવિત્રતા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે રાઈડ્સ પર કામ કરનારા અને સંચાલન કરનારા લોકો લઘુમતી સમાજના છે. સંગઠનનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર ઘનશ્યામ વાવડિયાએ ૫૦ ટકાની ભાગીદારીમાં આ લોકોને કામ સોંપ્યું છે, જેનાથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે.

મામલો ગરમાતા અને કાર્યકરોનો રોષ જાેતા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તત્કાલ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કાર્યકરોએ દરેક રાઈડ્સ પર જઈને સંચાલકોના નામ પૂછ્યા હતા અને ત્યારબાદ રાઈડ્સ ઓપરેશન બંધ કરાવી દીધું હતું. બીજી તરફ, કોન્ટ્રાક્ટર ઘનશ્યામ વાવડિયાએ ભાગીદારીના આક્ષેપોને નકારતા જણાવ્યું હતું કે, “રાઈડ્સ મારી પોતાની જ છે અને કોઈની સાથે ભાગીદારી નથી. અગાઉ કામ કરતા યુપીના છોકરાઓ વતનમાં ગયા હોવાથી કામચલાઉ ધોરણે નવા માણસો રાખવામાં આવ્યા હતા.” જાેકે, હિન્દુ સંગઠનોએ કથાની મર્યાદા અને પવિત્રતાનો મુદ્દો ઉઠાવી વિરોધ યથાવત રાખ્યો હતો. હાલ આ મામલે ગોત્રી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિ જાળવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution