કાશ્મીરમાં ઊરી જેવા હુમલો નિષ્ફળ, ૧ આતંકી ઠાર, ૧ જીવતો પકડાયો

ઉરી-

ભારતીય સૈન્યે જણાવ્યું હતું કે ઉરીમાં છેલ્લા સાત દિવસમાં સાત આતંકી માર્યા ગયા છે જ્યારે એક આતંકી પકડાયો હતો. મેજર જનરલે કહ્યું કે, તેમની પાસેથી ૭ એકે સિરિઝના હથિયાર, ૭ પિસ્તોલ અને રિવોલ્વર તથા ૮૦થી વધુ ગ્રેનેડ જપ્ત કરાયા હતા. આતંકીઓ પાસે પાકિસ્તાની ચલણી નાણું પણ મળી આવ્યું હતું. આ અગાઉ સલામતી દળોએ આતંકીઓના બે સાથીઓની ધરપકડ કરી હતી અને કાશ્મીરમાં આતંકવાદીઓના એક અડ્ડાનો ભંડાફોડ કર્યો હતો. શ્રીનગર પોલિસે પુલવામા પોલિસ અને સૈન્યના ૫૦ આરઆરની મદદથી દક્ષિણ-કાશ્મીરના પુલવામા જિલ્લામાંથી આતંકવાદીઓના બે ઓવરગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી હતી.જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકીઓ સાથેની અથડામણમાં સલામતી દળોને મોટી સફળતા મળી છે.

વર્ષ ૨૦૧૬ના ઉરી હુમલા જેવો મોટો આતંકી હુમલો કરવા માટે ભારતમાં ઘૂસી આવેલા આતંકીઓ સાથે અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો જ્યારે એક પાકિસ્તાની આતંકીની ધરપકડ કરી હતી. લશ્કર-એ-તોયબાના આતંકી અલ બાબર પાત્રાએ સલામતી દળો સામે આત્મસમર્પણ કર્યું હતું, તે પાકિસ્તાન સ્થિત પંજાબના ઓખારાનો નિવાસી છે. અથડામણમાં માર્યા ગયેલા આતંકીની ઓળખ બાકી છે. ઉરી ઓપરેશનમાં સફળતા મળ્યા પછી સૈન્યે પત્રકાર પરિષદ યોજી એન્કાઉન્ટરની વિગતો આપી હતી. અહીં ૧૯મી ઈન્ફન્ટ્રી ડિવિઝનના જીઓસી મેજર જનરલ વિરેન્દ્ર વસ્તે જણાવ્યું કે ઓપરેશન દરમિયાન એક આતંકી માર્યો ગયો હતો જ્યારે બીજાની ધરપકડ કરાઈ છે. મેજર જનરલ વિરેન્દ્ર વત્સે જણાવ્યું કે, આ ઓપરેશન ઉરી સેક્ટરમાં અંકુશ રેખાની નજીકના ક્ષેત્રોમાં નવ દિવસ સુધી ચાલ્યું હતું. આ ઓપેરશન ૧૮મી સપ્ટેમ્બરથી શરૃ થયું હતું. અમારી પેટ્રોલિંગ ટૂકડીને અંકુશ રેખા પર ઘૂસણખોરીની ગતિવિધિઓ જાેવા મળતા ઘૂસણખોર આતંકીઓને ઝડપી પાડવા માટે ઓપરેશન શરૃ થયું હતું. એન્કાઉન્ટર શરૃ થયું ત્યારે બે ઘૂસણખોરોએ સરહદ પારથી પ્રવેશ કરતા હતા જ્યારે બાકીના ચાર ઘૂસણખોરો બીજીબાજુ હતા.

મેજર જનરલ વત્સે કહ્યું કે, ગોળીબાર પછી ચાર આતંકીઓ ઝાડીઓનો લાભ ઊઠાવીને પાકિસ્તાન તરફ પાછા જતા રહ્યા હતા જ્યારે બે ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હતા. તેમને ઘેરવા માટે વધારાના દળો ગોઠવવામાં આવ્યા હતા. ૨૫મી સપ્ટેમ્બરે એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી માર્યો ગયો હતો જ્યારે બીજાે એક પકડાઈ ગયો હતો. આત્મસમર્પણ કરનારા આતંકીએ પોતાને અલી બાબર પાત્રા તરીકે ઓળખાવ્યો હતો, જે પાકિસ્તાનના પંજાબથી છે. તેણે કબૂલ્યું હતું કે તે લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલો છે અને મુઝફ્ફરાબાદમાં તેમને તાલિમ અપાઈ હતી. તેણે કબૂલ્યું હતું કે તે માત્ર અહીં હથિયાર સપ્લાય કરવા આવ્યા હતા. તેમણે સલામાબાદ નાળામાંથી ઊરીમાં ઘૂસણખોરી હતી. વર્ષ ૨૦૧૬માં આ જ માર્ગેથી આતંકીઓ ઘૂસ્યા હતા અને ઊરીમાં સૈન્ય કેમ્પ પર હૂમલો કર્યો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution