લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026 |
2376
નવી દિલ્હી/તેલ અવીવ,આજે સવારે ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર મોટો હુમલો કર્યો હતો. સૂત્રોના હવાલાથી રોઇટર્સે દાવો કર્યો છે કે ઇઝરાયલી હુમલામાં ઇરાની રક્ષા મંત્રી અમીર નાસિરઝાદેહ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઇઆરજીસી) કમાન્ડર મોહમ્મદ પાકપોરનું મોત થયું છે. અગાઉ ઇરાની સમાચાર એજન્સીઓએ અહેવાલ આપ્યો હતો કે દક્ષિણ ઇરાનમાં એક શાળામાં મિસાઇલ પડવાથી ૮૫ વિદ્યાર્થિનીઓના મોત થયા હતા અને ૪૫ ઘાયલ થયા હતા. ઇઝરાયલે અમેરિકા સાથે મળીને ૧૦ ઇરાની શહેરો પર હવાઈ હુમલા કર્યા હતા. હુમલા બાદ ટ્રમ્પે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે ઇરાન પર હુમલો અમેરિકન નાગરિકોને બચાવવા માટે કરવામાં આવ્યો હતો. જવાબમાં ઇરાને ઇઝરાયલ પર આશરે ૪૦૦ મિસાઇલો છોડ્યા અને કતાર, કુવૈત, જાેર્ડન, બહેરીન, સાઉદી અરેબિયા અને યુએઈમાં યુએસ બેઝને નિશાન બનાવ્યા. વધુમાં, ઇરાને યુએઈના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર દુબઇ પર પણ હુમલો કર્યો હતો.
આજે ૨૮ ફેબ્રુઆરીની સવારથી જ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સીધા હુમલાઓએ વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. ઈઝરાયેલી સંરક્ષણ દળોએ ઈરાનના મુખ્ય સૈન્ય મથકો અને મિસાઈલ લોન્ચિંગ સાઈટ્સ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ તેજ કરી છે, જેના જવાબમાં ઈરાને પણ ઈઝરાયેલના મુખ્ય શહેરોને નિશાન બનાવીને સેંકડો ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો છોડી હોવાના અહેવાલ છે. આ સંઘર્ષ હવે ‘પ્રોક્સી વોર’માંથી નીકળીને ખુલ્લા સંગ્રામમાં ફેરવાઈ ગયો છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે ઈરાનની પરમાણુ ક્ષમતા અને લશ્કરી માળખાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. બીજી તરફ, ઈરાને આ હુમલાને તેની સંપ્રભુતા પરનું આક્રમણ ગણાવીને ‘ભયાનક વળતો પ્રહાર’ કરવાની ચીમકી આપી છે.
અમેરિકાએ ઈઝરાયેલના સ્વરચાવના અધિકારને ટેકો આપતા ભૂમધ્ય સમુદ્રમાં વધારાની નૌકાદળની ટુકડીઓ મોકલી છે. જ્યારે રશિયા અને ચીને સંયમ જાળવવાની અપીલ કરી છે, પરંતુ પડદા પાછળની ગતિવિધિઓ કંઈક અલગ જ ઈશારો કરી રહી છે. યુદ્ધની આ જ્વાળાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ૧૦% થી વધુનો ઉછાળો આવ્યો છે. જાે હોર્મુઝની સામુદ્રધુની બંધ થાય, તો વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ છે. ભારત સરકારે પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે અને વડાપ્રધાન કાર્યાલય આ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
ઈરાને શરણે થવું જ પડશે : ઈઝરાયલ
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતા તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરૂ કરી દીધા છે. ઈરાનની અનેક જગ્યાઓને નિશાન બનાવાઈ છે. ત્યારે હવે ઈરાન પર હુમલા બાદ ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપતા કહ્યું કે, ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે. ઈરાને હથિયાર મૂકવા જ પડશે. તેમણે રાષ્ટ્રજાેગ સંબોધનમાં જાહેરાત કરી છેકે, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઈરાનના આતંકવાદી શાસન દ્વારા પેદા થયેલા અસ્તિત્વના જાેખમને દૂર કરવા માટે એક મોટા સૈન્ય ઓપરેશનની શરૂઆત કરી છે.
યુદ્ધ શરૂ તમે કર્યું, ખતમ અમે કરીશું : ઈરાન
ઈઝરાયલ સેનાએ ઈરાન પર એક બાદ એક રોકેટ વરસાવ્યા છે. આગામી ૪ દિવસ સુધી હુમલા થશે તેવું જાણવા મળી રહ્યું છે. બગડતી પરિસ્થિતિ જાેઇને ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. આ સિવાય અમેરિકા અને ઈઝરાયલને ઈરાને સીધી રીતે ધમકી આપી દીધી છેકે, હુમલો તમે શરુ કર્યો છે, પરંતુ આ યુદ્ધને ખતમ અમે કરીશું. બીજી તરફ ઈરાન હુમલા બાદ ટ્રમ્પનું પહેલું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ નહીં બની શકે.
જાે ઈરાન સરેન્ડર નહીં કરે તો મોત નક્કી છે : ડૉનાલ્ડ ટ્રમ્પ
ઈરાન પર હુમલા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ત્રમ્પે આકરા તેવર સાથે જણાવ્યું હતું કે, અમેરિકાએ તાજેતરમાં ઈરાનમાં એક મોટી લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીનો હેતુ અમેરિકન લોકોનું રક્ષણ કરવાનો અને ઈરાની શાસન દ્વારા ઉભા થયેલા ખતરાને દૂર કરવાનો છે. જાે ઈરાન સરેન્ડર નહીં કરે તો મોત નક્કી છે. અમેરિકા ઈરાનની મિસાઈલ ક્ષમતાને સંપૂર્ણપણે નાશ કરશે અને મિસાઈલ ઉદ્યોગ, નૌકાદળનો નાશ કરશે અને તેના મિસાઈલ કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરશે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જાે તેઓ આમ કરશે તો તેમને સુરક્ષિત રાખવામાં આવશે, નહીંતર ચોક્કસ મૃત્યુનો સામનો કરવો પડશે. ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેની પ્રવૃત્તિઓ અમેરિકા, તેના સૈનિકો અને તેના સાથીઓ માટે સીધો ખતરો છે.