વડોદરા, તા. ૧૧

છાણી કેનાલ પાસે આજે સવાર ડોર ટ ડોર કચરો લેવા માટે આવતા વાહનોમાં વડોદરા મ્યુનિ. કોર્પોરેશન (વીએમસી)ના બદલે સુરત મ્યુનિ.કોર્પોરેશન (સીએમસી)ના ડોર ટુ ડોરના ખખડધજ વાહનો કચરો લેવા માટે ફરતા જાેવા મળ્યા હતા. આ અંગેની જાગૃત નાગરિકોએ સ્થાનિક કોર્પોરેટર જહા દેસાઈને ફરિયાદ કરતા તેમણે તુરંત તપાસ કરી હતી. તપાસ દરમિયાન ડોર ટુ ડોરની કચરા કલેકશનની ગાડીઓ સુરતમાં અગાઉ ઉપયોગમાં લેવાયેલી હોવાની અને તેની પર સીએમસી સાથે સુરતના હેલ્પલાઈનનો નંબર લખેલો હોવાની વિગતો મળી હતી. આ અંગે ઉક્ત વાહનચાલકની પુછપરછ કરાતા તેણે મને આજ ગાડી આપવામાં આવી છે તેમ જણાવ્યું હતું. સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ડોર ટુ ડોરની ગાડીઓ સમયસર આવતી નથી અને જે ગાડીઓ આવે છે તેમાં થેલા આડેધડ લટકાવેલા હોઈ ઉલ્ટાનું તેમાંથી કચરો રોડ પર પડતા વધુ ગંદકી ફેલાઈ રહી છે. ડોર ટુ ડોર ગાડીઓનો કોન્ટ્રાક્ટ ધરાવતા ઈજારેદાર આ રીતે ખખડધજ વાહનોનો ઉપયોગ કરીને વડોદરા કોર્પોરેશન તંત્રને આર્થિક નુકશાન પહોંચાડી રહ્યા છે અને શહેરીજનોને પણ ધોળેદહાડે ઉલ્ટા ચશ્મા પહેરાવી રહ્યા છે. જાેકે તંત્રના અધિકારીઓને તપાસ કરવાની ફુરસદ ન હોઈ વડોદરા સ્વચ્છતાના ક્રમે પાછળ ધકેલાઈ રહ્યું છે.