દિલ્હી-

મોનસુન સત્ર દરમિયાન અત્યાર સુધીમાં બંને ગૃહોની કાર્યવાહી હોબાળાને ભેટ ચઢી ગઈ છે. આ સત્રમાં કોરોના મહામીરનો મુદ્દો સૌથી ગરમ છે. આ દરમિયાન સરકારે કહ્યું છે કે ડિસેમ્બર સુધીમાં ૧૮ વર્ષથી ઉપરના લોકો રસીકરણ પૂર્ણ થઈ જશે. તો બીજી તરફ, રસીકરણ ડ્રાઇવ પર રૂ. ૯૭૨૫.૧૫ કરોડ ખર્ચવામાં આવ્યા છે. હકીકતમાં, સત્ર દરમિયાન, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અત્યાર સુધીમાં ૧૮ પ્લસના રસીકરણ અને ખર્ચ અંગેની વિગતો માંગી હતી, જેનો જવાબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવાર દ્વારા આપવામાં આવેલા જવાબમાં એવું કહેવામાં આવ્યું હતું કે રસીકરણ એ સતત અને વ્યાપક પ્રક્રિયા છે. ઓગસ્ટ ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં કુલ ૧૩૫ કરોડ ડોઝ ઉપલબ્ધ થવાનો અંદાજ છે અને ૧૮ વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોનું રસીકરણ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં થઈ જશે.સ્વદેશી રસીની ખરીદી અને અત્યાર સુધીના ખર્ચ અંગેના સવાલ પર રાજ્ય મંત્રી ડો.ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે દેશી રસી બનાવતી કંપનીઓ સાથે ખરીદી કરવામાં કોઈ વિલંબ થયો નથી. કંપનીઓને આપેલા સપ્લાય ઓર્ડર માટે પણ એડવાન્સ પેમેન્ટ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રસી અને રસીકરણ ડ્રાઇવ પર રૂ. ૯૭૨૫.૧૫ કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે.જણાવી દઈએ કે, મંગળવારે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કહ્યું હતું કે, બીજી લહેર દરમિયાન રાજ્યોએ ઓક્સિજનના અભાવથી કોઈના મોતની માહિતી આપી નથી. સરકારના આ જવાબને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી વિરુદ્ધ વિશેષાધિકારનો પ્રસ્તાવ સુધી વાત પહોંચી ગઈ હતી.