05, ડિસેમ્બર 2022
વડોદરા, તા.૫
વડોદરા શહેરની પાંચ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહ દર્શાવી મતદાન કર્યું હતું. જેમાં સાધુ-સંતો-મહંતોની સાથે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર એવા પઠાણબંધુઓએ તેમના પરિવાર સાથે તેમજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સભય યાસ્તિકા ભાટીયાએ પણ મતદાન કરીને તમામને મતદાન કરવાની અપીલ કરી હતી. પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ તેમના માતા-પિતા અને પત્ની સાથે વાસણા રોડ ખાતે આવેલ સંતકબીર સ્કૂલ ખાતે પહોંચીને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે મતદાન કર્યા બાદ મતદાન એ આપણો અધિકાર છે, તમામે મતદાન કરવું જ જાેઈએ તેમ કહ્યું હતું. જ્યારે ભારતીય મહિલા ટીમની સભ્ય યાસ્તિકા ભાટીયાએ માંજલપુર શ્રેયસ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું અને લોકશાહીનું મહાપર્વ એવી દરેક ચૂંટણીમાં તમામે મતદાન કરવું જ જાેઈએ તેવી અપીલ કરી હતી.