02, સપ્ટેમ્બર 2025
વડોદરા |
6831 |
ઉત્સવોને ધ્યાને લઇ ફૂડ વિભાગનું 20 સ્થળોએ 69 દુકાનોનું નિરીક્ષણ
મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ
વડોદરા કોર્પોરેશન દ્વારા ગણેશ ઉત્સવને અનુલક્ષીને, શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ સેફ્ટી ટીમોએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ગણેશ ઉત્સવ દરમિયાન વેચાતા મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો, જેથી લોકોના સ્વાસ્થ્યને કોઈ જોખમ ન પહોંચે.આ ચેકિંગ ડ્રાઈવ શહેરના કારેલીબાગ, દાંડિયાબજાર, વૃંદાવન ચાર રસ્તા, અમદાવાદી પોળ, નવજીવન, કોઠી, માંજલપુર, તરસાલી રોડ, ભાયલી, ઇલોરાપાર્ક, ગોત્રી, અલકાપુરી, સયાજીગંજ, સરદાર એસ્ટેટ, હરણી, છાણી, ન્યુ સમા રોડ, પોલીટેકનીક કોલેજ, નિઝામપુરા અને વાઘોડિયા રોડ જેવા 20 થી વધુ વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારોમાં આવેલી 69 હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ફરસાણની દુકાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.નિરીક્ષણ દરમિયાન, ટીમોએ કેસરી મોદક, ચોકલેટ મોદક, બુંદીના લાડુ, રાસબેરી મોદક, મલાઈ મોદક, બેસન, મરચા પાઉડર, ઘી, ગાયનું દૂધ, સનફ્લાવર ઓઈલ, સેવ, મોદક, ચણા દાળ, માખણીયા બિસ્કીટ, પનીર બટર મસાલા, મોતીચૂરના લાડુ, ભેંસનું દૂધ, બેસન લાડુ, સિંગતેલ, પનીર ટીક્કા મસાલા, દૂધી-ચણાની દાળનું શાક, મોહનથાળ, ગુજીયા, જોધપુરી મોદક, માવો, હળદર પાઉડર, ધાણા પાઉડર, કેસરી પેંડા, અને કેસરી બરફી સહિત કુલ 59 ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા. આ તમામ નમૂનાઓને પૃથક્કરણ અને પરીક્ષણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.આ ચેકિંગ દરમિયાન, વેપારીઓને તેમની દુકાનોમાં મીઠાઈ અને ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા માવો, બરફી, ઘી, કપાસિયા તેલ, પામોલીન તેલ, અને સિંગતેલ જેવા પદાર્થોનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા બોર્ડ ગ્રાહકોને દેખાય તે રીતે પ્રદર્શિત કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, તમામ ધંધાર્થીઓને તેમના એકમોમાં સ્વચ્છતાનું ઉચ્ચ સ્તર જાળવી રાખવા માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી, જેથી ગ્રાહકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે.