ઐતિહાસિક કાશી વિશ્વનાથ મંદિરનો અનોખો ઇતિહાસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, જુલાઈ 2025  |   વડોદરા   |   62172

શ્રાવણ માસના પવિત્ર વાતાવરણમાં 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજતું વડોદરા શહેર, તેના મધ્યમાં વસેલા ઐતિહાસિક કાશી વિશ્વનાથ મંદિરના ભક્તિભાવથી ઝળહળી રહ્યું છે. આ સ્થળ માત્ર શિવભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ શ્રદ્ધા, સંત પરંપરા અને રાજશાહી યોગનો અનોખો સંગમ પણ છે, જેનો જીવંત ઇતિહાસ વડોદરાવાસીઓને ગૌરવ અપાવે છે.

વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું વડોદરા, ગાયકવાડી યુગના ભવ્ય વારસાનું પ્રત્યક્ષ સાક્ષી છે. ૧૮મી સદીના મધ્યભાગથી ૧૯૪૭ સુધી અહીં ગાયકવાડ રાજવંશનું શાસન રહ્યું, જેના સમયમાં શહેર શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસ્યું. સર સયાજીરાવ ગાયકવાડ, જેઓ ગુજરાતના વિકાસના પાયાના શિલ્પી ગણાય છે, તેમના સમયમાં અનેક વિદ્વાનો અને સાધુઓ વડોદરાની ધરતી પર આવી જ્ઞાન અને ભક્તિનો ધ્વજ લહેરાવતા રહ્યા.

લગભગ ૧૩૦ વર્ષ પહેલાં મંદિરની સ્થાપના

આજથી લગભગ ૧૩૦ વર્ષ પહેલાં, ચિદાનંદ સરસ્વતી સ્વામી મહારાજ વડોદરા પધાર્યા. ભગવતધર્મથી પ્રેરિત થઈને તેમને એક ભવ્ય શિવમંદિર સ્થાપિત કરવાની ભાવના હતી. આ અભિલાષા સાથે તેઓએ સર સયાજીરાવ ગાયકવાડના દરબારમાં પણ ઉપસ્થિતિ નોંધાવી. તે સમયે જ્યાં આજે કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે, તે જગ્યા એક ખાલી મેદાન હતી. સ્વામીજીએ ત્યાં સૌપ્રથમ ભગવાન ગણપતિનું મંદિર બાંધ્યું હતું, કારણ કે ભારતીય સંસ્કારમાં દરેક શુભ કાર્ય પહેલા વિઘ્નહર્તાનું સ્મરણ અનિવાર્ય મનાય છે.

ત્યારબાદ, તેઓ નર્મદા નદીની યાત્રાએ નીકળી પડ્યા, જ્યાં તેમને એક અજોડ શિવલિંગ પ્રાપ્ત થયું. એ જ શિવલિંગ વડોદરાની ધરતી પર લાવીને તેમણે ગણેશ મંદિરની નજીક સ્થાપન કર્યું અને એક શિવમંદિરની સ્થાપના કરી, જે આજે “કાશી વિશ્વનાથ મંદિર” તરીકે સુવિખ્યાત છે.

મંદિરનું પુનર્નિર્માણ અને વર્તમાન સ્વરૂપ

મંદિરનું મૂળ બાંધકામ લગભગ ૧૩૦ વર્ષ પહેલાં થયું હતું, પરંતુ તેનું પુનર્નિર્માણ ૧૯૮૯માં આરંભાઈને ૨૦૦૦ સુધીમાં પૂર્ણ કરવામાં આવ્યું. આજે અહીં માત્ર કાશી વિશ્વનાથ મંદિર નથી, પરંતુ પૂરા મંદિર સંકુલમાં ગણેશ મંદિર, સોમનાથ મંદિર, હનુમાન મંદિર અને ચિદાનંદ સ્વામીજીની સમાધિ પણ સ્થિત છે. આગળ ચાલીને અહીં ગૌશાળાનું પણ નિર્માણ થયું, જ્યાં આરંભે ૨-૩ ગાયો હતી, જેની સંખ્યા આજે ૨૦ થી વધુ છે.

કાશી વિશ્વનાથ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર આકર્ષક નકશીકામથી શોભિત છે. અંદર પ્રવેશતા જ કાળા પથ્થરમાં ઊંડા શિલ્પમાં ઊતારેલી નંદી અને કાચબાની પ્રતિમાઓ ધ્યાન ખેંચે છે. બંને બાજુએ ચિદાનંદ સ્વામી અને વલ્લભરાવ સ્વામીજીની મૂર્તિઓ સ્થાપિત છે. મંદિરના દરેક સ્તંભ અને દિવાલો પર દેવદેવીઓના અદ્વિતીય શિલ્પો જોવા મળે છે, જે ભક્તિ સાથે કળાનો સમન્વય દર્શાવે છે.

શ્રાવણ માસ અને મહાશિવરાત્રીનો ઉમંગ

શ્રાવણ માસના દરેક શનિવાર અને સોમવારના પાવન અવસરે અહીં ભક્તોનો ઘસારો રહે છે. ભક્તિ, ભજન, આરતી અને શિવપથનાં મંત્રોથી આખું વાતાવરણ શિવમય બની જાય છે. મહાશિવરાત્રીના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે, જેમાં સહસ્રો ભક્તો દક્ષિણ ગુજરાતથી લઈને અન્ય રાજ્યોમાંથી પણ દર્શનાર્થે આવે છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા તીર્થયાત્રીઓ અને સાધુસંતો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા મફતમાં કરવામાં આવે છે. આ સ્થાન ભક્તિની સાથે સાથે સેવા અને સહકારનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution