વડોદરાના નેતા સંગઠનનું સાંભળતા નથી, આજે સાબિત થયું

વડોદરા, તા.૨૯

વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રથ અમદાવાદથી જેમ જેમ વડોદરા તરફ આવી રહ્યો છે તેમ તેમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ મથાળા પરથી નીચે ઉતરતું ઉતરતું તળિયે આવી પહોંચ્યું છે. અત્યાર સુધી કહેવાતું હતું કે, વડોદરાના નેતાઓ સંગઠનનું સાંભળતા નથી. પણ આજે સાબિત થઈ ગયું કે, તેઓ મોદી સાહેબને પણ સમ્માન આપવામાં કંજૂસાઈ કરે છે. ખેર, અમારી પાસે આજે કો’કે વિકસીત ભારત સંકલ્પ યાત્રાની બે પત્રિકા મોકલી હતી. જેમાં પહેલી અમદાવાદની હતી અને બીજી વડોદરાની હતી. અમદાવાદની પત્રિકામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી ઉપર હતું. પણ વડોદરાની પત્રિકામાં મોદી સાહેબ તળિયે હતા. આ વિસંતતા જ દર્શાવે છે કે, વડોદરાના નેતાઓ મોદી સાહેબને કેટલું સમ્માન આપે છે? અમે એમાં વિશેષ ટિપ્પણી કરવા માગતાં નથી. અમારે તો વાંચકો સમક્ષ હકીકત જ પ્રસ્તુત કરવી છે. એટલે અમે અમદાવાદ અને વડોદરા બંનેની પત્રિકાના ફોટા પ્રસ્તુત કરી રહ્યા છીએ. હવે, વાંચકો જ નક્કી કરે કે, અમારી વાત સાચી છે કે ખોટી. ખેર, વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું વડોદરામાં ઠેરઠેર સ્વાગત થઈ રહ્યુ છે. આવતીકાલે એટલે કે, ૩૦મી નવેમ્બરના રોજ છાણીની શ્રી ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં વિકસીત ભારત સંકલ્પ રથ પહોંચશે. જ્યાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે. કોર્પોરેશનના વોર્ડ નંબર - ૧માં યોજાનારા આ કાર્યક્રમમાં શહેરના મેયર પિન્કીબેન સોની, વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ પણ હાજર રહેશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution