09, એપ્રીલ 2025
વડોદરા |
3564 |
પરિક્રમા માટે રોજની 4 બસ દોડશે: 98 રૂપિયા ભાડું નક્કી કરાયું
ઉત્તરવહી નર્મદા પરિક્રમા માટે GSRTCના વડોદરા વિભાગ દ્વારા વડોદરાથી તિલકવાડા માટે સ્પેશિયલ બસ શરૂ કરવામાં આવી છે. ઉત્તરવહી પરિક્રમા માટે રોજની ચાર બસ દોડશે. જેના માટે 98 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ 6 કિ.મી. સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ માહાત્મ્ય છે. આ વર્ષે 29મી માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થઈ છે, જે આગામી 27મી એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે. નર્મદા પરિક્રમામાં જુદા જુદા રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં આવતા હોવાથી નર્મદા જિલ્લાના વહીવટીતંત્રએ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના રામપુરા ખાતે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમા માટે આવી રહ્યા છે. આ ઉપરાંત વડોદરાથી પણ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા પરિક્રમા માટે જાય છે. જેથી વડોદરા એસટી વિભાગ દ્વારા 4 સ્પેશિયલ બસો શરૂ કરવામાં આવી છે. આ ચાર બસ આગામી 27 એપ્રિલ સુધી દોડશે. વડોદરાથી ઉપરનારી આ બસ તિલકવાડા સુધી જશે. આ બસનું 98 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે.