નરાધમ મામાએ હવસનો શિકાર બનાવતાં વડોદની ૧૪ વર્ષની ભાણી ગર્ભવતી બની
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026  |   સુરત   |   990

પાંડેસરાનાં વડોદ ગામમાં રહેતી કિશોરીને તેણીના મામાએ હવસનો શિકાર બનાવી હતી. બીજા લગ્ન કરી લેનાર માતાને મળવા જતી આ કિશોરીને ફોસલાવી ફસાવી મામાએ શરીર સંબંધ રાખતાં તેણી ગર્ભવતી બની ગઇ હતી. સાતેક મહિનાની ગર્ભાવસ્થાને લઇ શારિરીક ફેરફાર અને તકલીફો શરૂ થતાં આ મામલો બહાર આવ્યો અને પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશનો સિંગ પરિવાર વડોદ ગામમાં રહે છે. આ પરિવારના દંપતિ વચ્ચે મનમેળ ન થતાં તેઓ છૂટા પડી ગયા હતાં. મહિલાએ અલગ થઇ બીજા લગ્ન કરી લીધા ત્યારે બાળકો પિતા સાથે રહ્યા હતાં. જો કે, બાળકો ઇચ્છા થાય ત્યારે માતાને મળવા જતાં હતાં. પિતા દ્વારા આ મામલે રોકટોક કરાતી ન હતી.

વર્ષ ૨૦૧૫માં પતિથી અલગ થઇ બીજો સંસાર માંડનારી આ મહિલાએ આઠેક મહિના અગાઉ લગભગ જુલાઇ મહિનામાં તેની ૧૪ વર્ષની દીકરીને કોલ કરી તેની સાથે રહેવા આવવા કહ્યું હતું. કિશોરી તૈયાર થઇ એટલે માતા આવી અને તેણીને સાથે લઇ ગઇ હતી. કિશોરી માતા સાથે બમરોલી સ્થિત ઘરે ઘણો સમય રોકાઇ અને ગત ફેબ્રુઆરી મહિનામાં પરત આવી હતી. આ દરમિયાન થોડા દિવસ અગાઉ કિશોરીનાં દાદા દાદી વતનથી અહીં રહેવા આવ્યા હતાં. જેમાં દાદીને કિશોરીની શારીરિક અવસ્થા શંકાસ્પદ લાગી હતી.

બેચેની અનુભવતી અને વોમિટિંગની ફરિયાદ કરતી કિશોરીને ડોક્ટર પાસે લઇ જવાઇ હતી. જ્યાં દાદીની શંકા અનુસાર જ આ કિશોરી ગર્ભવતી હોવાનું નિદાન થયું હતું. કિશોરીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણી સાથે આ કુકર્મ તેના મામા આદિત્યસિંહ ઉર્ફે સીન્ટીએ કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. માતા પાસે રહેવા ગઇ ત્યારે મામાએ તેણીને બહેકાવી સંબંધ બાંધ્યા હતાં. ઘરે કોઇ ન હોય ત્યારે મામા તેણીને હવસનો શિકાર બનાવતો, તેણીને ફોસલાવીને અલગ અલગ જગ્યાએ લઇ જઇ મરજી વિરૂધ્ધ બંધાયેલા શરીર સંબંધના કારણે કિશોરી ગર્ભવતી બની ગઇ હતી. કિશોરીએ હકીકત જણાવતાં તેણીના પિતા તેને લઇ પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. પોલીસે કિશોરીની આવશ્યક એવી પૂછપરછ કર્યા બાદ બમરોલી વિસ્તારમાં રહેતાં ૨૬ વર્ષીય આદિત્યસિંગ સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution