વલસાડ-

રાજ્યના છેવાડે આવેલા ઉંમરગામ તાલુકામાં સનસનીખેજ લૂંટની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઉમરગામના દહાડ વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા એક વૃદ્ધના બંગલામાં ૩ જેટલા લૂંટારુઓ ત્રાટકયા હતા અને વૃદ્ધની આંખમાં કેમિકલ જેવો જ્વલનશીલ પદાર્થ નાખી વૃદ્ધ પર જીવલેણ હુમલો કરી બંગલામાં લૂંટ કરી રાતના અંધકારમાં અલોપ થઇ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં મોડી રાત્રે વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી તો બીજી બાજુ સમગ્ર જિલ્લામાં ઠેર-ઠેર નાકાબંધી કરીને પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પ્રયત્નો શરૂ કર્યા છે. વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એ ઇસમ છે કે જેમનો સામનો લૂંટારૂઓ જાેડે થયો હતો. વાત છે ઉમરગામમાં આવેલા દહાડ વિસ્તારની કે જ્યાં આ આધેડ વયના પુરુષ એકલા રહેતા હતા.

શીતલ ટાઉનશીપમાં આવેલ પોતાના બંગલામાં એકલવાયું જીવન જીવતા રમેશ જૈન પર રાત્રિના સમયે બે થી ત્રણ જેટલા હથિયારધારી લૂંટારૂઓ તેમના ઘરમાં ત્રાટકયા હતા અને તેમની આંખોમાં કોઇ કેમિકલ જેવો પદાર્થ નાખી જીવલેણ હુમલો કર્યો હતો અને વૃદ્ધને બાનમાં લઇને બંગલામાં લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ તેમના માથાના ભાગે બોથડ પદાર્થથી ઈજા કરતા તો સ્થળ પર જ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ આસપાસના વિસ્તારના લોકોને થતા તો તાત્કાલિક ધસી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઉમરગામમાં મોડી રાત્રે બનેલી આ લૂંટની ઘટનાથી સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઇ ગઇ હતી.

વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતના કાફલાએ ઘટનાસ્થળે ધસી ગઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ફરી તપાસ કરી આરોપીઓની પગેરું મેળવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. બીજી બાજુ વૃદ્ધ ઘાયલ હોવાથી તેમનું નિવેદન લેવાનું બાકી હોય આરોપીઓ કઈ રીતના ક્યાંથી આવ્યા હતા એ હજુ ચોક્કસ માહિતી બહાર આવી શકી નથી અને બંગલામાંથી કેટલી લૂંટ થઇ છે તેનો આંકડો પણ હજી બહાર આવ્યો નથી જાેકે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વૃદ્ધ નું નામ રમેશ જૈન છે અને તે ખાનગી કુરિયર કંપનીના એજન્સી ધરાવતા હતા.