દિલ્હી-

ભારતીય વાયુસેનાની પહેલી મહિલા અધિકારી વિંગ કમાંડર(નિવૃત્ત) વિજયલક્ષ્મી રમણનનું 69 વર્ષની વયે નિધન થયું છે. તેમના જમાઈ એસએલવી નારાયણે જણાવ્યું કે વિશિષ્ટ સેવા મેડલથી સમ્માનિત ડૉ. વિજયલક્ષ્મી રમણનનું રવિવારે નિધન થયું. તેમણે જણાવ્યું કે, રમણને અહીં તેમની દિકરીના ઘરમાં અંતિમ શ્વાસ લીધાં.

રમણનનો જન્મ ફેબ્રુઆરી 1924માં થયો હતો. એમબીબીએસ કર્યાં બાદ તે 22 ઓગસ્ટ 1955ના સેનાની મેડિકલ કોરમાં સામેલ થઈ ગઈ હતી અને તેને તે દિવસે વાયુસેનામાં સ્થાનાંતરિત કરી દેવામાં આવી હતી. તેમણે વાયુસેનાની જુદી-જુદી હોસ્પિટલોમાં સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે કામ કર્યું. તેમણે યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા સૈનિકોની પણ સારવાર કરી અને વહીવટી જવાબદારીઓ પણ નિભાવી.

ઓગસ્ટ 1972માં તેમને વિંગ કમાંડરની રેંક તરીકે બઢતી પણ મળી હતી. પાંચ વર્ષ બાદ તેમને વિશિષ્ટ સેવા મેડલ મળ્યો હતો. ફેબ્રુઆરી 1979માં તે સેવા નિવૃત્ત થઈ ગયા હતા. તેમના પતિ દિવંગત કેવી રમણન પણ વાયુસેનાના અધિકારી હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. રમણન કર્ણાટક સંગીતની પણ જાણકાર હતી અને નાની વયે તેમણે આકાશવાણી કલાકાર તરીકે પણ કામ કર્યું.