વડોદરા : વડોદરા શહેર નજીક નંદેસરી જીઆઈડીસીમાં મોટાભાગની કેમિકલ ઉત્પાદન કરતી કંપનીઓ આવેલ છે અને આ કંપનીઓના કેમિકલ ઉત્પાદનના ઝેરી તથા દૂષિત પાણીથી ફેકટરીઓની આસપાસ આવેલ ગામડાઓના રહીશો તથા ગામોની સીમમાં આવેલ ખેતરોને ભારે નુકસાન થતાં ગામના રહીશોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે અને આ અંગે પર્યાવરણ બચાવો - જમીન બચાવો સમિતિ દ્વારા અવારનવાર રજૂઆતો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-જીપીસીબીમાં કરવામાં આવી છે, પરંતુ જીપીસીબીના અધિકારીઓ ઠાલા આશ્વાસનો આપી રહ્યા છે.

આ અંગે મળતી વિગત અનુસાર શહેર નજીક નંદેસરીમાં આવેલ કેમિકલ ઉદ્યોગો કંપનીઓ પૈકીની પાનોલી ઈન્ટરમીડિએટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માલિક શિવલાલ ગોયેલ દ્વારા કંપનીમાં કેમિકલના ઉત્પાદન બાદ નીકળતા યુનિટોમાંથી દૂષિત એસિડિક કેમિકલવાળું પાણી બાજુમાં બંધ હાલતમાં પડેલ ગુજરાત ડયેસ્ટફ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના પાછળના ભાગમાં ખૂલ્લામાં છોડવામાં આવી રહ્યું છે. આ એસિડિક કેમિકલયુક્ત પાણી મિનિનદીમાં જાય છે અને મિનિનદીનું પાણી મહિસાગરમાં જાય છે, એટલે મહિસાગર નદીનું પાણી પણ દૂષિત થઈ રહ્યું છે.

આ કંપનીની સામે ઘણી ફરિયાદો - રજૂઆતો કરવામાં આવી છે પરંતુ રાજકીય અને જીપીસીબીમાં વગ ધરાવતા કંપનીના માલિક વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવતાં ન હોવાના આક્ષેપો પર્યાવરણ બચાવો - જમીન બચાવો સમિતિના પ્રમુખ દિલીપસિંહ વીરપુરાએ કર્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત ડયેસ્ટફ ઈન્ડસ્ટ્રીઝ કંપની ઘણા વરસોથી બંધ હાલતમાં પડેલ હોવાથી પાનોલી ઈન્ટરમીડિએટ કંપનીના તમામ યુનિટોનું દૂષિત કેમિકલયુક્ત પાણી ગેરકાયદે છોડી તેનો દુરુપયોગ કરી ઠાલવી રહ્યા હોવાથી નજીકના રહીશોમાં રોષની લાગણી વ્યાપી છે. આ દૂષિત પાણી આજુબાજુની સીમ ખેતરોમાં પણ ફેલાઈ રહ્યું હોવાથી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમ છતાં આ બાબતે જીપીસીબીના અધિકારીઓ દ્વારા આ કંપની સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી.