નેપાળમાં હિંસાનો દોર યથાવત, જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર
11, સપ્ટેમ્બર 2025 કાઠમંડુ   |   2673   |  

 2 લોકોના મોતથી તણાવ,સેનાના નિયંત્રણ બાદ ગોળીબારની પ્રથમ ધટના

નેપાળથી ભાગેલો કેદી ભારતીય સીમા પરથી પકડાયો

નેપાળમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને ઉથલપાથલ વચ્ચે, રામેછાપમાં કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસને રોકવા માટે નેપાળની સેનાએ ગોળીબાર કર્યો. જેમાં બે કેદીઓનાં મોત થયા અને અન્ય 10 કેદીઓને ગોળી વાગી હતી. જેના પગલે નેપાળમાં તણાવ વધ્યો હતો. નેપાળમાં સેનાના નિયંત્રણ બાદ ગોળીબારની આ પ્રથમ ઘટના છે.

આ પૂર્વે કાઠમંડુ જેલમાંથી ભાગી ગયેલા એક બાંગ્લાદેશી નાગરિકને SSB દ્વારા પકડવામાં આવ્યો. તે સોનાની તસ્કરીના આરોપસર પાંચ વર્ષથી નેપાળની જેલમાં હતો. આ ધરપકડ SSBની 47મી બટાલિયન દ્વારા બિહાર-નેપાળ સરહદ પર કરવામાં આવી હતી. જોકે, નેપાળે છેલ્લા ત્રણ દિવસથી બદલાયેલી પરિસ્થિતિને કારણે સરહદ પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ દરમિયાન, બુધવારે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો, જેનું નામ મોહમ્મદ અબુલ હસન ઢાલી છે. ઢાલીએ કબૂલ્યું કે તે નેપાળમાં થયેલા જેલ બ્રેકનો લાભ લઈને તે ભાગી આવ્યો છે. તે છેલ્લા પાંચ વર્ષથી કાઠમંડુની જેલમાં કેદ હતો અને ત્યાંથી ભાગીને રક્સૌલ પહોંચ્યો.

ઉલ્લેખનિય છે કે, ઓલી સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનના બીજા અને ત્રીજા દિવસે નેપાળના વિવિધ જિલ્લાઓમાંથી લગભગ 15,000 કેદીઓ જેલમાંથી ભાગી ગયા હોંવાના અહેવાલ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution