વડોદરા, તા.૨

સોમા તળાવ વિસ્તારના લારી-ગલ્લાધારકોએ તેમની લારીઓ પાલિકા દ્વારા હટાવી વેપાર- ધંધો ન કરવા દેતાં લારી-ગલ્લાધારકો સ્થાનિક કાઉન્સિલરના ઘરે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો તેમજ પોતાનો ધંધો-રોજગાર ચાલુ રહેવા દેવા માગણી કરી હતી. પાલિકાતંત્ર અને અધિકારીઓ શહેરની અંદર લારી-ગલ્લાધારકો માટે યોગ્ય આયોજન કરી શક્યા નથી. સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ પણ કરાવી શક્યા નથી. લોકો પાસે રોજગાર નથી કોરોનાના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ હજુ સારી નથી. માંડ માંડ છૂટક ધંધો-રોજગાર કરીને પોતાના ઘરને આર્થિક મદદરૂપ થનાર લારી-ગલ્લાધારકોને તંત્ર દ્વારા વારંવાર હેરાન-પરેશાન કરવામાં આવે છે. ત્યારે સોમા તળાવ વિસ્તારના લારી-ગલ્લાધારકોના લારી-ગલ્લા ખસેડીને ત્યાં ઊભા રહેવા નહીં દેતાં આજરોજ લારી-ગલ્લાધારકો દ્વારા સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલના નિવાસસ્થાને જઈને વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. લારી-ગલ્લાધારકો પોતાની લારી પાછી મળે તે હેતુથી સ્થાનિક કાઉન્સિલરના નિવાસસ્થાને પહોંચ્યા હતા. લારી-ગલ્લાધારકોના કહેવા અનુસાર બે-ત્રણ દિવસ અગાઉ કાઉન્સિલર અધિકારીઓ સાથે વિસ્તારમાં આવ્યા હતા. જે-તે સમયે સાઇડમાં રહીને વેપાર કરવા માટે સૂચના આપી હતી. પરંતુ લારી-ગલ્લાધારકોએ વ્યાજે પૈસા લઈ કોર્પોરેશનમાં પૈસા પણ ભર્યા છે તે બાદ હવે તેમના લારી-ગલ્લા જપ્ત કરાય છે અને વેપાર કરવા દેવાતો નથી, લારી-ગલ્લાધારકોની હાલત વધુ કફોડી બની છે. આ અંગે સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલ ઘરે ન મળતાં લારી-ગલ્લાધારકોએ તેમના નિવાસસ્થાને સૂત્રોચ્ચાર કર્યા હતા અને લારીઓ હટાવાતાં રોષ વ્યક્ત કર્યો હતો.