વડોદરા-

વડોદરામાં છેલ્લાં 24 કલાક દરમિયાન શહેરમાં તાવના દર્દીઓમાં એકંદરે નોંધપાત્ર વધારો થયો છે. તાવ, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મેલેરિયાના કુલ 873 નવા દર્દીઓ મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. લોકોને પોતાના બાળકોની ચિંતા વધી ગઇ છે. શહેરમાં દિવસ દરમિયાન ડેન્ગ્યૂના ૩૪, ચિકનગુનિયાના 5, મેલેરિયાના 2, ફિવરનો 1, ઝાડાના ૫૦ નવા પોઝિટિવ કેસ આવ્યાંછે. કોર્પોરેશનની ૧૮૪ ટીમ દ્વારા ૩૪૨ વિસ્તારોની મુલાકાત લઇ ૩૫,૪૪૫ મકાનોમાં તપાસ કરી ૧૪,૧૦૩ મકાનોમાં ફોગિંગકરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. ત્યારે, હવે બાળકો પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે. બાળકોમાં પણ તાવ, ઝાડા ઊલટીના અને ડેન્ગ્યુ જેવા રોગો કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે .

શહેરની સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં ડેન્ગ્યુના રોજ 4 થી 5 બાળકો સારવાર માટે દાખલ થઇ રહ્યા છે. બાળકોમાં વધી રહેલા રોગચાળાને કારણે બાળ રોગ વિભાગની OPD માં તાવ, ઝાડા ઊલટી અને કમળાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બાળ રોગ વિભાગના હેડ ડો. શીલા ઐયરે જણવ્યું હતું કે, બાળકોમાં પણ રોગચાળાના કેસો વધી રહ્યા છે. ત્યારે, માતા પિતાએ બાળકોની વિશેષ કાળજી લેવાની જરૂર છે. વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથુ ઉચકતા શહેર ની ચેપી રોગની હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી રહી છે. શહેરમાં છેલ્લા 24 કલાક માં 873 જેટલા લોકોને તાવ આવ્યો હોવાની ફરિયાદ મળી છે. તો બીજી તરફ ઝાડા ઉલટીના 50 દર્દીઓ નોંધાતા પાલિકા તંત્ર બેબાકળુ બન્યુ છે. શહેરમાં 34 દર્દીઓનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ચિકનગુનિયાના 5 વધુ કેસ અને ટાઇફોઇડના 5 કેસ નોંધાયા હતા.