વડોદરા,તા.૨૧

વડોદરા શહેર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં બેવડી ઋતુના કારણે સીઝનલ રોગ ચાળાએ નગરવાસીઓને ભરડામાં લેવાનું શરૂ કર્યું છે. એવા સમયે મોટી સંખ્યામાં નગરવાસીઓ શરદી ખાંસી ટાઈફોડ કમળો સ્વાઈન ફ્લૂ ડેન્ગ્યુ જેવા રોગચાળાના ભરડામાં આવી રહ્યા છે. પરિણામે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટયો છે. કારેલીબાગ ખાતે આવેલ ચેપી રોગના દવાખાને વાયરલ ઇન્ફેક્શનની અસર ધરાવતા રોજના ૧૦૦ થી ૧૫૦ દર્દીઓ સારવાર અર્થે આવતા હોવાનું તબિયત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એટલું જ નહીં આ હોસ્પિટલમાં કમળો ટાઈફોઈડ તથા તાવની અસર ધરાવતા અંદાજે ૪૦ થી ૫૦ જેટલા દર્દીઓ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

વાયરલ ઇન્ફેક્શનની અસર ધરાવતા હોસ્પિટલમાં રોજબરોજ અંદાજે ૮૦ જેટલા દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે જેથી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જાેવા મળે છે. ઠંડીના અનુકૂળ વાતાવરણમાં શરદી ખાંસી તાવ સ્વાઈન ફ્લૂ તથા ડેન્ગ્યુ ના કેસો વધુ જાેવા મળે છે જેથી સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓ મોટી સંખ્યામાં જાેવા મળે છે. હાલના તબક્કે આઈડી હોસ્પિટલમાં ટાઈફોડ અને કમળાના મળી કુલ ૪૦ થી ૫૦ જેટલા દર્દીઓને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હોવાનું ડોક્ટર પ્રિતેશ શાહે જણાવ્યું હતું. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે દિવસ દરમિયાન આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કરીને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દિવસ દરમિયાનની કામગીરીમાં ડેન્ગ્યૂ પોઝિટિવના ૮, ચિકનગુનિયા નો ૧, તથા ઝાડા ઉલટી ના ૪૧ કેસો નવા નોંધાયા હતા. અલબત્ત શહેરમાં વધી રહેલા રોગચાળાના કેસોને લઈને નગરવાસીઓમાં રોગચાળાની દહેશત વ્યાપી છે.