નવી દિલ્હી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા કોરોના વાયરસ સામેના યુદ્ધમાં લોકોની મદદ લઈને આગળ આવી છે. વિરાટ-અનુષ્કાએ જરૂરીયાતમંદ લોકોની સહાય માટે ભંડોળ એકઠું કરવાની ઝુંબેશ શરૂ કરી છે. બંનેએ તેમના પ્રશંસકોને તેમના અભિયાનને ટેકો આપવા અપીલ કરી છે. વિરાટ કોહલીએ ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું, 'અનુષ્કા અને મેં @ketto પર કોવિડ -19 રાહત માટે નાણાં આપવાની ઝુંબેશ શરૂ કરી છે. અને અમે તમારા સમર્થન માટે આભારી હોઈશું. ચાલો આપણે બધા ભેગા થઈને જરૂરીયાતમંદ લોકોને મદદ કરીએ. હું આપ સૌને અમારા અભિયાનમાં જોડાવા વિનંતી કરું છું.


વિરાટ અને અનુષ્કાએ ટ્વિટર પર 45 સેકન્ડનો વીડિયો મૂક્યો છે. આમાં તે કહે છે, 'ભારતમાં સ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. રાત-દિવસ આપણા માટે લોકો લડી રહ્લયા છે. પરંતુ હવે તેમને અમારું સમર્થન અને તેમની સાથે ઉભા રહેવાની જરૂર છે. તેથી જ આપણે ફંડ રેઝર શરૂ કર્યું છે.

અનુષ્કાએ 1 મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો ન હતો. અનુષ્કાએ સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે ચાહકોનો આભાર માન્યો અને એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં જ્યારે દેશ કોવિડ -19 કટોકટીનો સામનો કરી રહ્યો છે ત્યારે તેનો જન્મદિવસ ઉજવવો યોગ્ય નથી. વીડિયોમાં અનુષ્કાએ પણ તેના ચાહકોને અપીલ કરી છે કે તેઓ સંકટની આ ઘડીમાં એક થઈને દેશને સમર્થન આપે.