વડોદરા, તા.૧૩

વહો વિશ્વામિત્રી અભિયાન સમિતિ દ્વારા તા.૧૫મી ઓક્ટોબરે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના જન્મદિવસ અને વિદ્યાર્થી રાષ્ટ્રીય દિવસ નિમિત્તે હરણી મોટનાથ મહાદેવ મંદિરથી એક વિશાળ પદયાત્રા નીકળશે.ગો.૧૦૮ પંકજકુમારે જણાવ્યું કે નદી આપણી માતા છે. આપણે ઈચ્છતા હોઈએ કે તે તેના નૈસર્ગિક સ્વરૂપમાં સુંદર અને સ્વચ્છ રહે તો વડોદરાના તમામ નગરજનોએ સ્વચ્છ નદી માટે બધાએ કટિબદ્ધ બનવું પડશે. અભિયાન સાથે જાેડાયેલા અને કન્યાકુમારીથી કાશ્મીરના પદયાત્રી રાજુભાઈ ઠકકરે જણાવ્યું કે, આ નદીને પુનઃ વહેતી કરી શકાય તેવો પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબે પ્રોજેક્ટનું મોડલ નિહાળી કહ્યું હતું અને આ વિશ્વામિત્રી નદી પુનર્જિવિત થશે તો ભારત દેશની અનેક નદીઓ આના પગલે વહેતી થશે. વડોદરા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડાયરેકટર ડો. જિતેન્દ્ર ગવળીએ જણાવ્યું કે, તેમને અમેરિકામાં વિશ્વામિત્રી જેવી જ નાના પટ વાડી નદીને લોકોએ ૧૬ વર્ષમાં પુનઃ સજીવન કરી તો આપણો સામૂહિક પ્રયાસ હશે, તો આપણે પુનઃ વહેતી કરી શકીશું. તેમને વધુમાં નદીને પ્રાકૃતિક રૂપે વહેવડાવવા માટે જાણીતા ભૂસ્તરશાસ્ત્રીઓ, નિષ્ણાતો, પર્યાવરણ પ્લાનર, હાઈડ્રોલોજિસ્ટના મંતવ્યો આપ્યા હતા. એમ.એસ.યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય અને પાવાગઢ જૈન મંદિરના ટ્રસ્ટ દીપક શાહે જણાવ્યું કે, નદી પાવાગઢથી નીકળે છે જેને સરકારે વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ ઘોષિત કરી છે અને આ અભિયાનના શરૂઆતમાં વલ્લભસૂરિ સમૂદાયના જૈનાચાર્ય જગતચંદ્રસૂરિ મ.સા. અને પૂર્ણચંદ્ર વિજયજી મ.સા.એ ખૂબ સક્રિય ભૂમિકા ભજવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જનજાગૃતિ અભિયાન વધારે સુદૃઢ બને તે માટે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને પાવાગઢ જૈન મંદિર વચ્ચે સેટેલાઈટ કોમ્યુનિટી સેન્ટર પાવાગઢ ખાતે બનાવવા એમઓયુ પણ કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે, આ પ્રથમ તબક્કાની પદયાત્રા વડોદરાના નવનાથને જાેડશે અને મોટી વિશાળ પદયાત્રા ૧૬મી જાન્યુઆરી આ.જગતચંદ્રસૂરિ મ.સા.ના જન્મદિવસે નીકળશે, જે પાવાગઢથી અંતિમ બિંદુ પિંગલવાડાની ૧૩૨ કિ.મી. યાત્રા નીકળશે. આ યાત્રા હરણી મોટનાથ સવારે ૭.૩૦ કલાકે મોટનાથ મહાદેવ મંદીર ખાતે પૂજન-અર્ચન બાદ ગો.૧૦૮ પંકજકુમાર લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે, જે પ્રતાપ રોડ, રાત્રિ બજાર, ફતેગંજ, કામનાથ મંદિર, સુખનાથ હેગિંગ બ્રિજ, યવતેશ્વર ઘાટ (કાલાઘોડા બ્રિજ) સવારે ૧૦.૧૫ વાગે પહોંચશે. જ્યાં વડોદરાના પોલીસ કમિશનર, મેયર, ધારાસભ્યો, સાંસદ પણ જાેડાશે. ત્યાર બાદ યદયાત્રા ભીમનાથ, જેલરોડ, અકોટા-દાંડિયાબજાર, સંગ્રામસિંહ ક્રિકેટ એકેડેમીથી માગનાથ થઈ વિશ્વામિત્રી બ્રિજ ઉપરથી સૂર્યદર્શન ટાઉનશિપ, જાગનાથ કલાલી થઈ વડસર બ્રિજ, કોટનાથ મહાદેવ ખાતે પાંચ વાગે પૂર્ણ થશે.